સોમનાથ, દ્વારકા સહિતના તમામ યાત્રાધામોમાં પાંચ દિવસીય ખાસ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ,
ગાંધીનગરઃ ગુજરાતમાં તા.27 ઑક્ટોબર, શુક્રવારથી યાત્રાધામો ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. 31 ઑક્ટોબર એટલે કે 5 દિવસ ચાલનારા આ સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્યના 8 મહત્વના યાત્રાધામો સહિત કુલ 53 યાત્રાધામો ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 2 ઑક્ટોબર ગાંધી જયંતીથી સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યું છે. કે, જેના હેઠળ ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સઘન સફાઈ અભિયાન શરુ કરાયુ છે. અભિયાન હેઠળ હવે રાજ્યના યાત્રાધામો ખાતે પણ સઘન સફાઈ ઝુંબેશ હાથ થરાઈ છે.
રાજ્યના મુખ્ય યાત્રાધામો અને મહત્વના ધાર્મિક સ્થળો પણ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે”સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના સૂત્રને સાર્થક કરવા 27 ઑક્ટોબરથી 31 ઑક્ટોબર સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા મહત્વના યાત્રાધામો તથા તીર્થસ્થળના પરિસર અને પરિસરને જોડતા મુખ્ય રસ્તાઓ તેમજ ભક્તોની અવર જવર રહેતી હોય; તેવી આજુબાજુની તમામ જગ્યાઓને આવરી લઇ સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક ચલાવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી)એ રાજ્યના તમામ જિલ્લાઓ તમામ મહત્વના યાત્રાધામો ખાતે આ ઝુંબેશ શુક્રવારના રોજ પ્રારંભ કરી દિધી છે. જીપીવાયવીબીના સચિવ આર. આર. રાવલે આ માહિતી આપતાં જણાવ્યું કે, તમામ યાત્રાધામોનું પરિસર, યાત્રાધામના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ શરુ કરાઈ છે.
આ અભિયાન હેઠળ રાજ્યના 8 મુખ્ય યાત્રાધામો ખાતે સઘન સફાઈ અભિયાન શરુ થયું છે. આ 8 મહત્વના યાત્રાધામોમાં અંબાજી માતા મંદિર, સોમનાથ મહાદેવ મંદિર, દ્વારકાધીશ મંદિર, ડાકોર સ્થિત રણછોડરાયજી મંદિર, ગિરનાર, પાલીતાણા જૈન તીર્થ, પાવાગઢ સ્થિત મહાકાળી માતા મંદિર તથા શામળાજી સ્થિત વિષ્ણુ મંદિરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 44 ‘અ’ તથા ‘બ’ કક્ષાના અને અન્ય યાત્રાધામો ખાતે પણ આ અભિયાન હાથ ધરાયું છે.
બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યુ કે આ યાત્રાધામો ખાતે નાખવામાં આવતો કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય વસ્તુઓનું વ્યવસ્થાપન ગોઠવવું, તેનો યોગ્ય રીતે ડમ્પિંગ કરવામાં આવે તેમજ કોઈ પણ સ્થાન ઉપર કચરો બિલકુલ ન દેખાય તેની ખાસ કાળજી લેવામાં આવશે. સરકાર તરફથી મળેલ સુચના અન્વયે ઝુંબેશને વધુમાં વધુ સફળ બનાવવા માટે સ્થાનિક ગ્રામ પંચાયત/નગર પાલિકા/મહાનગર પાલકા/જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત તથા તેના ચૂંટાયેલ સભ્યો, ધારાસભ્યો, સાંસદો, સહકારી સંસ્થા વિગેરેનો સહયોગ લેવામાં આવશે અને વોર્ડ દીઠ જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.