અમદાવાદઃ રાજ્યમાં તબીબી વિદ્યાશાખાઓમાં પ્રવેશની કાર્યવાહીનો આરંભ કરાયો છે. જેમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમીયોપથિક તથા સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપથિક સંસ્થાઓની 15 ટકા ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાને કારણે પ્રક્રિયામાં પણ થોડો વિલંબ થયો હતો. એટલું જ નહીં ફરી એકવાર કોરોનાને કારણે સ્થિતિ વણસે નહીં તે અંગે પણ સાવચેતીના તમામ પગલાં લેવાઈ રહ્યાં છે. કોરોનાની ગાઈડલાઈન તેમજ તમામ સાવચેતિ સાથે જ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. સ્નાતક વિદ્યાશાખા MBBS/ BDS/ BAMS/ BHMS માં પ્રવેશ માટે પિન વિતરણ, રજિસ્ટ્રેશન અને હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
તબીબી વિદ્યાશાખામાં વર્ષે પ્રવેશ વિલંબથી શરૂ કરવામાં આવ્યો છે. નીટના પરિણામ બાદ ઓનલાઈન પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. પ્રવેશ સમિતિની વેબસાઈટ www.medadmguarat.org પરથી પિન મેળવી શકાશે. આજથી તા. 28 નવેમ્બર દરમિયાન 200 રૂપિયાની ચુકવણી કરી પિન મેળવી શકાશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે. 28 નવેમ્બર સાંજે 6 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા 18 નવેમ્બરથી 29 નવેમ્બર સુધીમાં કરાવી શકાશે. લોકલ કવોટના ઉમેદવારોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યા ઉપરાંત લોકલ રહેવાસી છે એવું પ્રમાણપત્ર સંબંધિત સંસ્થામાં ડીન પાસેથી મેળવવાનું રહેશે. NRI ઉમેદવારોએ રજિસ્ટ્રેશન ઉપરાંત વહીવટી ફી પેટે 10 હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવાનો રહેશે. રાજ્યના 32 હેલ્પ સેન્ટર અંગેની માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.