બ્લેક ફંગસની બીમારીના ઈન્જેકશન હવે સોલા અને અસારવા સિવિલમાંથી મળશે
અમદાવાદઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. બીજી તરફ બ્લેક ફંગસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જો કે, હવે મ્યૂકરમાઇકોસીસના દર્દીઓના પરિવારજનોએ ઈન્જેકશન માટે દોડધામ નહીં કરવી પડે. અમદાવાદની સોલા અને અસારવાની સિવિલ હોસ્પિટલમાંથી પણ જરૂરી કાગળીયાના આધારે ઈન્જેકશન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત રાજ્યભરમાં બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ દર્દીઓના સ્વજનોને ઈન્જેશન નહીં મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન હવે સોલા અને અસારવા સિવિલમાં મ્યૂકરમાઇકોસીસની ટ્રીટમેન્ટના ઇન્જેક્શન મળશે. દર્દીને મ્યૂકરમાઇકોસીસ હોય તેના સગાએ અસારવા કે સોલા સિવિલમાં પ્રિસ્ક્રિપ્શન અને તેના રિપોર્ટ લઇને જવાનું રહેશે. પરંતુ સેફ્ટી માટે આધારકાર્ડ કે ઇલેક્શન કાર્ડ સાથે લઇને જવાનું રહેશે. જેથી દર્દીના સગાને ભારે હાલાકીનો સામનો ન કરવો પડે.
આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, બ્લેક ફંગસ એક ફંગલ ઇન્ફેક્શન છે જે સામાન્ય રીતે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ગ્રસિત લોકોની પર્યાવરણીય રોગાણુઓથી લડવાની ક્ષમતાને ઓછી કરી દે છે.