સંદેશખાલીમાં મહિલા સાથે થયેલા અન્યાય અને અત્યાચાર એ રાજ્યની નિષ્ફળતાઃ શંકરાચાર્યજી
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં થયેલા મહિલાઓ અને ગરીબો સાથે થયેલા અત્યાચારને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશવરાનંદ સરસ્વતી મહરાજજીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આ મામલે રાજ્ય સરકારને જવાબદાર ઠરાવ્યાં છે. શંકરાચાર્ય અવિમુક્તેશવરાનંદ સરસ્વતી મહરાજજીએ મહિલાઓ સાથે થયેલા અન્યાય અને અત્યાચારને રાજ્યની અસફળતા ગણાવી છે. શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે, આપણી માતાઓ અને બહેનો એપેક્ષા કરી છે કે, આપણે તેમની રક્ષા કરીશું અને તેમની સાથે અત્યાચાર તથા અન્યાય થાય છે તો આ રાજ્યની નિષ્ફળતા છે. આ કોઈ પણ ભોગે સ્વિકારી લેવાય નહીં. ખાસ કરીને જ્યારે રાજ્યમાં માતા અને બહેનનું રાજ્યમાં શાસન હોય, રાજ્યમાં માતા-બહેનનું શાસન હોય ત્યારે મહિલાઓને લઈને તેમની જવાબદારીઓ વધી જાય છે, તેમજ તેમણે બહેનોનું ખાસ રક્ષણ કરવું જોઈએ.
પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની આખરે 57 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી હતી. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર બંગાળ પોલીસે તેની ધરપકડ કરી હતી. શાહજહાં શેખ ટીએમસીના શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાતો હતો. આરોપી શાહજહાં ટીએમસીમાં ટોચના નેતાઓ પૈકીનો એક હતો. જો કે, સમગ્ર ઘટનાને પગલે ટીએમસીએ તેમને પક્ષમાંથી બરતરફ કર્યાં હતા. તે સંદેશખાલી એકમના ટીએમસી પ્રમુખ પણ રહી ચૂક્યો હતો. શાહજહાં શેખ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 5 જાન્યુઆરીએ EDની ટીમ બંગાળ રાશન વિતરણ કૌભાંડ કેસમાં શાહજહાંની પૂછપરછ કરવા આવી હતી ત્યારે તેના સાગરિતોએ ED ટીમ પર હુમલો કર્યો હતો. ત્યારથી ED સતત શાહજહાં શેખને પૂછપરછ માટે સમન્સ જારી કરી રહી હતી, પરંતુ ED ટીમ પર હુમલા બાદ શાહજહાં શેખ ફરાર હતો અને તેને ફરાર થયાને 57 દિવસ થઈ ગયા હતા.