ધોરાજી અને ઉપલેટાને રેલવે દ્વારા કરાતો અન્યાય, માત્ર એક જ વીકલી ટ્રેનથી પ્રવાસીઓને પડતી અગવડ
રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્રને પ્રવાસીઓની માગ મુજબ પુરતી ટ્રેનો ફાળવવામાં આવતી નથી. જેમાં ધોરાજી અને ઉપલેટા વિસ્તારના મુસાફરોને પૂરતી ટ્રેન સુવિધાઓ મળી રહે તે માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી લોકોની રજુઆતોને ન્યાય મળ્યો નથી. ધોરાજી અને ઉપલેટાના લાંબા અંતરની ટ્રેનોનો પુરતો લાભ મળતો નથી. એટલું જ નહીં ધોરાજી-ઉપલેટાથી રોજિંદા કુલ બે જ ટ્રેનો ચાલી રહે છે અને એક વિકલી ટ્રેન ચાલી રહી છે જેમાં આ વિકલી ટ્રેનનો ધોરાજીમાં સ્ટોપ ન હોવાથી જેથી મુસાફરોને ફરજિયાત ઉપલેટા જવું પડે છે અને ત્યાં પણ પ્લેટફોર્મની સમસ્યાનો સામનો કરવો પડે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધોરાજી-ઉપલેટા વિસ્તારના લોકોને પરિવહન માટે રેલવેની પૂરતી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી અને આ વિસ્તારમાં હાલ એક પણ લોકલ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ જ નથી. જેથી વેપારીઓથી લઈને અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારમાં લાંબા અંતરની એકમાત્ર ટ્રેન ચાલે છે જે અઠવાડિયામાં એક જ વાર આવે છે અને જે ટ્રેન પણ હાલ ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આવતી લાંબા અંતરની એકમાત્ર ટ્રેન છે જે ટ્રેન પણ મોતની સવારી છે કારણ કે ઉપલેટા ખાતેથી પસાર થતી લાંબા અંતરની ટ્રેન પ્લેટફોર્મની બહાર છ જેટલા કોચ નીકળી જાય છે જેને લઈને મુસાફરો પ્લેટફોર્મ લંબાવવાની રજુઆત કરી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઉપલેટા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર 18 કોચ સમાઈ સકે તેવડું એટલે કે 451 મિટરનું પ્લેટફોર્મ છે. જે પૂરી સુવિધા આપી શકે તેમ નથી કારણ કે લાંબા અંતરની ટ્રેનમાં 21 થી 24 જેટલા કોચ હોય છે. જેને લઈને રિઝર્વેશનવાળા કોચ પણ પ્લેટફોર્મની બહાર રહે છે જેના કારણે ચડવા ઉતારવામાં મુસાફરોને જીવનું જોખમ ખેડવું પડે છે. ઉપલેટાને ત્રણ જેટલા રેલ્વે સ્ટેશનો લાગુ પડે છે જેમાં ઉપલેટા તાલુકા વિસ્તારમાં ઉપલેટા રેલવે સ્ટેશન, ભાયાવદર રેલવે સ્ટેશન અને મોટી પાનેલી રેલવે સ્ટેશન લાગુ પડે છે. જેથી મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. પ્રવાસીઓ છેલ્લા ઘણા સમયથી રેલવેની પૂરતી સુવિધા ન હોવાને કારણે ખાનગી બસના મોંઘા ભડાઓ ચૂકવી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વિસ્તારમાં અબજો રૂપિયાના ખર્ચે વિકસાવેલી રેલવે લાઇન પર પૂરતી ટ્રેનની સુવિધા ન હોવાથી લોકો મોંઘા ભાડા ચૂકવીને ખાનગી વાહનોનો મજબૂરીવશ સહારો લઈ રહ્યા છે. જેમાં આ વિસ્તારમાં ધોરાજી-ઉપલેટાથી સોમનાથ જવા માટે એક જ ટ્રેન છે જે પણ એકપ્રેસ છે અને દ્વારકા, હરિદ્વાર, અજમેર શરીફ તથા અન્ય રાજયમા જવા માટેની ટ્રેનો એક પણ ન ફાળવતા પેસેન્જરોમા રોષ છે અને આ ટ્રેનો ફાળવાઇ તે માટે ધોરાજી-ઉપલેટાના લોકોએ લેખિત રજૂઆતો અનેકવાર કરી હતા. પણ જે બાબતે કોઈ નિરાકરણ આવ્યુ નથી.