ભાવનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરને અન્યાય કરવામાં આવી રહ્યો હોય તેમ વર્ષોથી માગણી છતાંયે લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવતા નથી. બોટાદથી ગાંધીગ્રામ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ લાઈનનું રૂપાંતર થયા બાદ પણ આ રૂટ્સ પર વધુ ટ્રેનો દોડાવવામાં આવતા નથી. આ ટુંકા રૂટ્સ પરથી ભાવનગર અને અમદાવાદ વચ્ચેનું અંતર પણ ઘટી જાય છે. અને પ્રવાસીઓનો સમય પણ બચી શકે તેમ છે, છતાંયે આ રૂટ્સ પર ભાવનગર-અમદાવાદ વચ્ચેની ટ્રેનો દોડાવવામાં આવતા નથી. ઉપરાંત અમદાવાદના કાળુપુર અને સાબરમતી રેલવે સ્ટેશનો પર લાંબા અંતરની પડી રહેતી ટ્રેનો માટે પાર્કિંગની સમસ્યા છે. જેથી અમદાવાદમાં લાંબો સમય હોલ્ટ કરતી ટ્રેનોને ભાવનગર સુધી દોડાવવાની માગ કરી હોવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરની લલાટે જ અન્યાય લખાયો હોય તે રીતે ઉદ્યોગ, ધંધા, પરિવહન સવલતો, શિક્ષણ સહિતની બાબતોમાં અન્યાય થઇ રહ્યો છે. ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા લાંબા અંતરની ટ્રેનો માટેની દરખાસ્ત કરવામાં આવેલી છે પરંતુ તેને મંજૂરીની મહોર મારવામાં પશ્ચિમ રેલવે આળસ અનુભવી રહ્યું છે. ભાવનગરથી હરિદ્વારની ટ્રેન શરૂ કરવા માટેની દરખાસ્ત લાંબા સમયથી કરવામાં આવેલી છે, ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા આવશ્યક તમામ તૈયારીઓ, ડેટા સહિતની બાબતો પણ પૂર્ણ કરી અને સુપરત કરવામાં આવેલી છે, પરંતુ પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ભાવનગરની ટ્રેનોની ફાઇલો દબાવીને બેઠા છે.
આ ઉપરાંત ભાવનગર-સાબરમતી દૈનિક ટ્રેનને સારી સફળતા સાંપડી રહી છે, ટ્રાફિકને ધ્યાનમાં રાખી અને બપોર બાદની વધુ એક ટ્રેન પણ ચાલુ કરવાની આવશ્યક્તા છે. એવી જ રીતે ભાવનગર-સુરત વચ્ચે સડક માર્ગે જબ્બર ટ્રાફિક છે અને આ બે શહેરો વચ્ચે ટ્રેન ચલાવવાની વર્ષો જૂની માંગણી પણ પૂરી થઇ રહી નથી.પાલિતાણાથી મુંબઇની પણ દૈનિક ટ્રેન માટેની ખાસ જરૂરીયાત હોવા છતા પશ્ચિમ રેલવેનું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.