ભુજ : કચ્છમાં ભુજ ખાતે કિસાન સંઘ આયોજીત ધરણા ક્રાર્યક્રમ યોજાયો હતો. જેમાં નર્મદા યોજના કચ્છ માટે જીવાદોરી છે અને આ આખીય યોજના કચ્છને ધ્યાનમાં લઈને બનાવાઈ છે. ત્યારે નર્મદા નીર પર કચ્છનો અધિકાર છે અને તે મેળવીને જ ઝંપવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો.
કચ્છને નર્મદાના 10 લાખ એકર ફીટ વધારાના પાણી ફાળવવાની યોજના છેલ્લા દોઢ દાયકાથી સરકારની ફાઈલોમાં અટવાયેલી પડી છે. અનેક વખત આવેદનપત્રો આપી માત્ર આશ્વાસનો મેળવતા ખેડુતોની ધીરજ હવે ખુટી છે. ત્યારે કિસાન સંઘે ભુજમાં ધરણા યોજી આંદોલનના મંડાણ કર્યા છે. ટીનસીટી ગ્રાઉન્ડ ખાતે આયોજીત ધરણાં સભામાં ઉપસ્થિત ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શીવજીભાઈ બરાડિયાએ પોતાના જુસ્સાદાર પ્રવચનમાં જણાવ્યું કે 2006માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક એકર ફીટ પાણી કચ્છને ફાળવવાની જાહેરાત કરાયા બાદ દોઢ દાયકાનો સમય વીતી ચુકયો હોવા છતાં કોઈ નકકર કામગીરી થઈ નથી. આવેદનપત્રો તો ઘણા આપ્યા હવે સરકારને ઢંઢોળવા માટે ફરજિયાત લડતના મંડાણ કરવા પડી રહયા છે.
નર્મદા લાવો કચ્છ બચાવો નર્મદા લાવો સરહદ બચાવોના બુલંદ નારાઓ વચ્ચે કિસાન અગ્રણીઓ દ્વારા એવો આક્રોશ પણ વ્યકત કરવામાં આવ્યો હતો કે, જનપ્રતિનિધિઓને ખોબલે ખોબલે મત આપીને ચુંટીને મોકલ્યા છે પણ તેઓ કચ્છની જીવાદોરી સમાન સમસ્યાનો નિવેડો લાવવામાં વિફળ નિવડયા છે. ત્યારે જો જન પ્રતિનિધીઓ નર્મદા નીર કચ્છમાં લાવી શકતા ન હોય તો તેમણે સ્વૈચ્છાએ રાજીનામા ધરી દેવા જોઈએ . અમારો વિરોધ કોઈ સરકાર સામે નથી પણ અમે અમારો અધિકાર મેળવવા માટે લડી રહયા છીએ. જો ખેડુત અને ખેતી સમૃધ્ધ હશે તો જ દેશ સમૃધ્ધ બનશે ત્યારે કચ્છના લોકો પાણીદાર હોવાના મારવામાં આવતા પ્રશંસાના ધબ્બા વચ્ચે કડવી વાસ્તવિકતા એ છે કે’ આડેધડ પવનચકકી નાખવાની વાત હોય કે પછી ખેતરોમાંથી વીજલાઈન પસાર કરવાની હોય. કચ્છને હંમેશાં જોહુકમી અને અન્યાય સહન કરવાનો વારો આવતો હોય છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને વધારાના નીર ફાળવવાની યોજનાના કામો ઝડપભેર પૂર્ણ થઈ શકતા હોય તો કચ્છમાં હાથ ધરાનાર કામો શરૂ કરવાની વાત દુર રહી 1પ વર્ષ પછી વહિવટી મંજુરી પણ આપવામાં આવી નથી. આ સભામાં સંતો મહંતો, વિવિધ ગામોના સરપંચો, વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.