ગાંધીનગરઃ ગુજરાતમાં દર વર્ષે અનેક હાજીઓ હજની યાત્રાએ જતા હોય છે. કેન્દ્ર સરકારે હજ માટે જાહેર કરેલા પેકેજમાં આ વર્ષે ગુજરાતના હાજીઓ પાસેથી અન્ય રાજ્યના હાજીઓની સરખામણીએ રૂ. 67,981 વધુ લેવાતા હોવાના આક્ષેપ કરાયા છે. આટલો વધારો કેવી રીતે અને ક્યા કારણોસર કરાયો છે, એવા પ્રશ્નો ઉઠ્યા છે. આ અંગે તાજેતરમાં હજ કમિટિની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જોકે, આ મામલે કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં, હજ કમિટિના અધિકારીઓ દિલ્લી દોડી ગયા છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાંથી આ વખતે 9000 જેટલા હાજીઓ હજ યાત્રા માટે રજિસ્ટર થયા છે. ગુજરાતના હાજીઓ પાસેથી એક હાજી દીઠ રૂ.3,72,824ની રકમ લેવામાં આવી રહી છે, જ્યારે મુંબઈથી હજ પઢવા જઈ રહેલા હાજીઓ પાસેથી રૂ.3,04, 843ની રકમ લેવામાં આવી રહી છે. આમ, ગુજરાત અને મુંબઈના હાજી પાસેથી લેવામાં આવેલી રકમ વચ્ચે રૂ. 67981નો તફાવત છે. આ રીતે, ભારત સરકાર દ્વારા ગુજરાતના હાજીઓ પાસેથી રૂ. 67,981 જેટલી રકમ વધુ લેવામાં આવી રહી છે. રાજ્યમાંથી હજ પઢવા જઈ રહેલા હાજીઓનો કુલ સરવાળો કરીએ તો આ રકમ રૂ.61 કરોડ જેટલી થાય છે. આ અંગે સ્પષ્ટતા માગવામાં આવતા હજ કમિટીના અધિકારીઓ દિલ્હી ગયા છે. દરમિયાન ગો ફર્સ્ટ એરલાઈન્સને અમદાવાદ, નાગપુર, ઇન્દોર, ભોપાલ,શ્રીનગર, રાંચી, ગૌહાટી, વિજયવાડા, ઔરંગાબાદ અને ગયા ખાતેથી હાજીઓને જિદ્દાહ લઈ જવા-લાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. હવે આ એરલાઈન્સે નાદારી નોંધાવી દીધી છે, આ મુદ્દે નિર્ણય લેવા કાલે તા.10 મે બુધવારના રોજ સવારે 11 વાગે અમદાવાદ ખાતે ગુજરાતના હાજીઓ એકત્રિત થઈને નિર્ણય લેશે.