નવસારીઃ શહેરની સબ જેલમાં કેદીઓને રોજગારી મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. સબજેલમાં કેદીઓ પોતાના સજાના સમયગાળા દરમિયાન જેલમાં જ કામ કરીને નાંણા કમાય તેવા આશ્રયથી તેમને ડાયમંડ વર્ક શિખવાડવામાં આવશે. શરૂના તબક્કામાં કેદીઓને જેલમાં ચાર-પાંચ ધંટી મુકીને ડાયમંડની કામગીરી શિખવાડવામાં આવશે. તેમના ટ્રેનિંગ સમય દરમિયાન 3000 જેટલુ મહેનતાણું પણ ચૂકવવામાં આવશે. ડાયમંડ વર્ક શીખી લીધા બાદ તેમને 10,000 પગાર પણ ચૂકવવામાં આવશે. તેમની સજા પૂર્ણ થઇ ગયા બાદ તેમને જોબ માટે કશે પણ ભટકવું ન પડે તે માટે ડાયમંડ કંપનીના એક માલિકે તેમની કંપનીમાં જોબ આપવાની બાંહેધરી આપી છે. હાલમાં ડાયમંડ વર્ક શિખવા માટે આશરે 100 જેટલા કેદીઓ તૈયાર થયા છે અને ખૂબ જ ટૂંક સમયમાં આ કામગીરી સબજેલમાં શરૂ કરાશે. જેલમાં કેદી કામ કરીને નાણાં કમાઇને તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થશે. આ સમગ્ર બાબતમાં સંપુર્ણ રીતે સહયોગ આપનારા ચંદુભાઇ ગડેરાનો જેલ પ્રસાશકો અને કેદીઓએ આભાર પણ માન્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની સબ જેલમાં અલગ-અલગ ગુનામાં સજા કાપી રહેલા કેદીઓને જેલમાં જ આર્થિક રીતે પગભર બનાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગાંધીજયંતિના દિને જેલની મહિલા કેદીઓએ બનાવેલા રંગબેરંગી દિવડા વેચાણ ખાતે મુકવામાં આવ્યા હતા. આ દિવડાનું વેચાણ દિવાળી સુધી કરવામાં આવશે. વેચાણથી થયેલી આવક મહિલા કેદીઓ વચ્ચે સરખા ભાગે વહેંચી દેવામાં આવશે. આ પહેલા તેમને દેસાઇ ફાઉન્ડેશન અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ટ્રેનિંગ આપવામાં આવી હતી અને દિવડા પર અલગ-અલગ પ્રકારનું કલાત્મક રંગ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેદીઓ માટે જિલ્લા પોલીસ, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, દેસાઇ ફાઉન્ડેશન અને રંગતના સહયારા પ્રયાસ થકી દેશભક્તિ અને સુગમ સંગીતના કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું. આ સંગીત કાર્યક્રમમાં અલગ-અલગ ગાયકના કંઠે અલગ-અલગ પ્રકારના ગીતો સાંભળીને કેદીઓ ઝુમી ઉઠ્યા હતા. તો કેદીઓના મનગમતા ગીતો પણ ગાયકોએ ગાયા હતા. આ સાથે જ કાર્યક્રમમાં મહિલા કેદીઓએ બનાવેલ દિવા વેચાણ માટે મુકવામાં આવ્યા હતા.