Site icon Revoi.in

અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ 1લી મેથી પોતાના પરિવાર સાથે ફોનથી વાત કરી શકશે

Social Share

અમદાવાદ:  શહેરમાં સાબરમતી જેલનું તંત્ર પ્રિઝન ઈન્મેટ કોલિંગ સિસ્ટમ દાખલ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજના 1લી મેથી શરૂ કરી દેવાશે. જેના થકી કેદીઓ તેમના પરિવાર સાથે ફોન કરીને વાતચીત કરી શકશે. કેદીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગે ગુપ્ત માહિતી મેળવવા માટે કોલ રેકોર્ડ પણ કરવામાં આવશે.

જેલ અને સુધારાત્મક વહીવટના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ તેમના પરિવાર સાથે ફોન દ્વારા વાતચીત કરી શકે તેના માટે પીઆઈસીએસ સુવિધા 1 મે થી શરૂ થશે. આ અંગે એક પ્રેઝન્ટેશન કરાયું હતું જેના પર અમે સંમત થયા હતા. જેલના એક અધિકારીના જણાવ્યા મુજબ જેલમાં કેદીઓ દ્વારા ફોન પર તેમના પરિવાર સાથે વાતચિત કરવા દેવાશે પણ તમામ વાતચીત રેકોર્ડ કરવામાં આવશે અને આ તમામ વાતચીત રેકોર્ડ 30 દિવસ સુધી ડેટાબેઝમાં રહેશે. જેલ સત્તાવાળાઓ દ્વારા રેકોર્ડિંગનો સમયગાળો વધારી કે ઘટાડી શકાય છે. અમુક કેદીઓની વાતચીત અને રેકોર્ડિંગ તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે લાંબા સમય સુધી રાખવાની જરૂર પડી શકે છે. આ ઉપકરણનો ઉપયોગ ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાની ઓળખ સાથે અથવા અનન્ય કેદીની ઓળખ સાથે કરી શકાય છે. વાર્તાલાપ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર અથવા અધિકૃત વ્યક્તિ દ્વારા સાંભળી અને છાપી શકાય છે.

આ સિસ્ટમ દરેક કેદી માટે ઉપલબ્ધ કોલ સમયની ગણતરી રાખશે અને તેને મેન્યુઅલી અથવા સોફ્ટવેર દ્વારા વધારી શકાય છે. આ સિસ્ટમ હરિયાણા, પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશની જેલો, અંબાલા ખાતેની જુવેનાઈલ જેલ, દિલ્હીની તિહાર જેલ તથા જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, પશ્ચિમ યુપી અને ઓડિશામાં હાલમાં કાર્યરત છે.જ્યારે ખાનગી કંપની કે જેણે તાજેતરમાં જેલ સત્તાવાળાઓને રજૂઆત કરી છે કે તે PICS માટે હાર્ડવેર અને સોફ્ટવેર પ્રદાન કરશે. આ માટે કેદીઓએ સેવાનો ઉપયોગ કરવા BSNL દ્વારા લાગુ પડતો ચાર્જ ચૂકવવો પડશે. કેદીઓના ફોટોગ્રાફ્સ, કેદીના આઈડી નંબર, નામ અને અન્ય આવશ્યક વિગતો સાથે PICS પર નોંધણી કરવામાં આવશે. આનો સંપૂર્ણ ડેટા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરમાંથી પણ મેળવી શકાય છે. આ માટે કેદીએ તેનો યુનિક પ્રિઝનર આઈડી નંબર દાખલ કરવાનો રહેશે. જે કોલ કરતા પહેલા ડેટાબેઝમાંથી વેરિફિકેશન કરવામાં આવશે.