Site icon Revoi.in

ગાંધીનગર ચિલોડા હાઈવે પર ઈનોવાકાર બાઈકને ટક્કર મારીને પલાયન, બાઈકચાલકનું મોત

Social Share

ગાંધીનગરઃ  રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં હીટ એન્ડ રનનું પ્રમાણ પણ વધુ છે. મોટા વાહનો નાના વાહનોને ટક્કર મારીને પલાયન થઈ જતાં હોય છે. આવા વાહનચાલકો સામે કડક પગલાં લાવાની માગ ઊઠી છે. ગાંધીનગ-ચિલોડા હાઈવે પર પુરફાટ ઝડપે આવેલી ઈનોવા કારે બાઈકને ટક્કર માર્યા બાદ ઈનોવા કાર નાસી ગઈ હતી. આ અકસ્માતને પગલે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ગાંધીનગર- ચીલોડા રોડ ઉપર અજાણ્યો ઇનોવા કાર ચાલક પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારી પલાયન થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ધોળાકુવાનાં બાઈકસવાર યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજતા ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માણસા તાલુકાના ધોળાકુવા ગામમાં રહેતાં પ્રકાશભાઇ સોમાભાઇ પટેલનો મોટો ભત્રીજો એક વર્ષ અગાઉ મૃત્યુ પામ્યો હતો. જ્યારે બીજો 26 વર્ષીય ભત્રીજો યોગેશ વલાદ ગામ ખાતે આવેલી પાણી બનાવવાની ટાંકી બનાવતી ફેક્ટરીમાં નોકરી કરતો હતો. જે નોકરીએ જવા આવવાં માટે બાઈક લઈને જતો હતો. સવારે નિત્યક્રમ મુજબ યોગેશ પોતાનું બાઇક લઈને નોકરી જવા માટે નિકળ્યો હતો અને સાંજના નોકરી પૂર્ણ કર્યા પછી તે પરત બાઈક લઈને ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન મોટા ચિલોડાથી ગાંધીનગર તરફ આર્મી ગેટના થોડી આગળ ઇકોગ્રીન કંપનીની સામે અજાણ્યા ઇનોવા કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી બાઈકને ટક્કર મારી નાસી ગયો હતો. જેનાં પગલે યોગેશ બાઇક સાથે રોડ ઉપર પટકાયો હતો. જેનું શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના પગલે મોટી સંખ્યામા લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં કોઈ રાહદારી જાણ કરતા 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને યોગેશને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે પણ યોગેશને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં મૃતકના કાકા સહિતના પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.