ઇન્સ્ટાગ્રામ લાવ્યું અનેક શાનદાર ફીચર્સ,હવે યુઝર્સ નોટ્સથી લઈને કેન્ડિડ સ્ટોરીઝ સુધી શેર કરી શકશે
મેટા-માલિકીના ફોટો-વિડિયો શેરિંગ પ્લેટફોર્મ Instagram એ યુઝર્સની સુવિધા માટે ઘણા નવા ફીચર્સ બહાર પાડ્યા છે.આ ફીચર્સમાં ઇન્સ્ટાગ્રામ નોટ્સ, કેન્ડિડ સ્ટોરીઝ, ગ્રુપ પ્રોફાઇલ, કોલેબોરેશન કલેક્શન વગેરેનો સમાવેશ થાય છે.આમાંની કેટલીક સુવિધાઓનું હાલમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.તાજેતરમાં જ Instagram એ તેના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ શેડ્યુલિંગ ટૂલ બહાર પાડ્યું છે.
લોકપ્રિય શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે,આ નવા ફીચર્સ યુઝર્સને તેમના મિત્રો અને પરિવાર સાથે જોડવામાં મદદ કરશે.Instagram Notes ફીચર યુઝર્સને તેમના મિત્રોને ટેક્સ્ટ અને ઇમોજીનો ઉપયોગ કરીને અપડેટ કરવાની મંજૂરી આપશે. એટલે કે આ ફીચરને સ્ટેટસનું શોર્ટ ફોર્મેટ કહી શકાય, જેમાં યુઝર્સ ઇમોજી અને ટેક્સ્ટમાં 60 કેરેક્ટર સુધીની શોર્ટ સ્ટોરી પોસ્ટ કરી શકે છે.
આ સાથે યુઝર્સ તેમની નોટસને પણ મર્યાદિત કરી શકે છે.એટલે કે, જો તમે ફક્ત નજીકના મિત્રો સાથે નોટ્સ શેર કરવા માંગતા હો, તો તમે તે ફોલોઅર્સને પસંદ કરવા માટે સેટ કરી શકો છો.Instagram નોટ્સ ઇનબોક્સની ટોચ પર દેખાય છે અને 24 કલાક પછી આપમેળે દૂર થઈ જાય છે.
ગ્રુપ પ્રોફાઈલ
ગ્રુપ પ્રોફાઈલને એક નવા પ્રકારના પ્રોફાઈલના દોર પર રજૂ કરવામાં આવ્યો છે,જેમાં યુઝર્સ તેમના ખાસ મિત્રો સાથે અલગ પ્રોફાઈલ, સ્ટોરી અને ફોટો શેર કરી શકે છે.એટલે કે,ચોક્કસ ગ્રુપ માટે એક અલગ પ્રોફાઇલ બનાવી શકાય છે, આ માટે યુઝર્સએ પ્લસ આઇકોન પર ટેપ કરવું પડશે અને ગ્રુપ પ્રોફાઇલ પસંદ કરવી પડશે.
કેન્ડિડ સ્ટોરીઝ
ઇન્સ્ટાગ્રામનું આ ફીચર BeReal એપ્લિકેશનથી પ્રેરિત છે.ફીચર હાલમાં ટેસ્ટીંગમાં છે. કેન્ડિડ સ્ટોરીઝમાં યુઝર્સે નોટિફિકેશન પર ક્લિક કરીને પોતાનો ફોટો અપલોડ કરવાનો રહેશે.આ ફોટો ફક્ત તે લોકોને જ દેખાશે જેઓ પોતે કેન્ડિડ સ્ટોરીઝ શેર કરે છે.
કન્ટેન્ટ શેડ્યૂલિંગ ટૂલ
Instagram એ બિઝનેસ એકાઉન્ટ્સ માટે કન્ટેન્ટ શેડ્યુલિંગ ટૂલ બહાર પાડ્યું છે.શેડ્યુલિંગ ટૂલનો ઉપયોગ કરીને રીલ્સ, ફોટો-વિડિયો અને કેરોસેલ પોસ્ટને 75 દિવસ સુધી શેડ્યૂલ કરી શકાય છે.યુઝર્સને એડવાન્સ સેટિંગ્સમાં શેડ્યુલિંગ ટૂલનો વિકલ્પ મળશે, જેની મદદથી પોસ્ટ્સ શેડ્યૂલ કરી શકાય છે.