અમદાવાદઃ ગુજરાતના પોલીસ વિભાગમાં એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની હવે સીધી ભરતીને બદલે હેડ કોન્સ્ટેબલોને બઢતી આપવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની આ જાહેરાતથી બિન હથિયારી ASI વર્ગ-૩ની જગ્યાઓ પ્રમોશનથી ભરાશે. કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી આગામી 30 ઓગસ્ટ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરાયો છે.
ગુજરાત પોલીસની બિન હથિયારી એએસઆઈની સીધી ભરતી રદ્દ કરવામાં આવી છે. ખાલી જગ્યાઓ પર હેડ કોન્સ્ટેબલોને પ્રમોશન આપી ખાલી જગ્યા ભરવા નિર્દેશ કરાયા છે. હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી હવે ASI બનાવાશે. પોલીસ વિભાગમાં ઘણા સમયથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન થયા નથી. પરંતુ સરકારની આ જાહેરાતથી બિન હથિયારી ASI વર્ગ-૩ની જગ્યાઓ પ્રમોશનથી ભરાશે. કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી આગામી 30 ઓગસ્ટ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરાયો છે.
ડીજી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં બિન હથિયારી ASI (વર્ગ 3) સંવર્ગની સીધી ભરતી રદ કરવામાં આવી છે. આ અંગે પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી ASI સંવર્ગના અનુભવી કર્મચારી મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, વર્ગ 3ની સીધી ભરતી રદ કરવામાં આવી છે. અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી ભરવાની મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એએસઆઈ સંવર્ગની ખાલી રહેલી તમામ જગ્યાઓમાં શહેર/જિલ્લા/યુનિટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓ પૈકી બિન હથિયારી એ.એસ.આઈ (વર્ગ-૩) સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમો/બઢતી અર્થે સરકાર દ્વારા વખતોવખત પ્રસિધ્ધ થયેલા નિયમાનુસાર પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવા તેમજ બઢતીથી ખાલી પડનાર હેડ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓમાં પાત્રતા ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવાની કાર્યવાહી તારીખ 30/08/2024 સુધીમાં પૂર્ણ કરવા અંગે સૂચના આપવામાં આવી છે.