મારી તબિયતની અફવાઓ પર ધ્યાન આપવાને બદલે વડાપ્રધાન……..નવીન પટનાયકે આપ્યો PM મોદીને વળતો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની ખરાબ તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હવે સીએમ નવીન પટનાયકે આને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પીએમએ રેલીમાં કહ્યું કે મારી તબિયત ખરાબ છે અને તેઓ આ મામલાની તપાસ માટે એક કમિટી બનાવવા માંગે છે.
નવીન પટનાયકે કહ્યું, “જો તે મારા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છે અને તેમણે મને જાહેરમાં પોતાનો સારો મિત્ર ગણાવ્યો છે,તો તેઓએ માત્ર એટલું જ કરવાનું છે. તેમનો ફોન હાથમાં લઇ અને મને ફોન કરીને મારી તબિયત વિશે પુછી શકે છે.
‘ભાજપના લોકો 10 વર્ષથી અફવાઓ ફેલાવે છે
બીજેડીના ચીફ નવીન પટનાયકે વધુમાં કહ્યું કે, “ઓડિશા અને દિલ્હીના ઘણા બીજેપી નેતાઓ છેલ્લા 10 વર્ષથી મારા સ્વાસ્થ્યને લઈને અફવાઓ ફેલાવી રહ્યા છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે હું બિલકુલ સ્વસ્થ છું અને છેલ્લા એક મહિનાથી ચૂંટણી પ્રચાર કરી રહ્યો છું..
તેમણે કહ્યું કે અફવાઓ પર ચિંતા વ્યક્ત કરવાને બદલે પીએમએ ઓડિશા માટે વિશેષ શ્રેણીના દરજ્જાની માંગ અને કોલસાની રોયલ્ટીમાં સુધારો કરવાની માંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે આનાથી ઓડિશાના લોકોને વધુ ફાયદો થશે.
પીએમ મોદીએ પટનાયકની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
28 મેના રોજ ઓડિશાના મયુરભંજમાં એક રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેવી રીતે છેલ્લા એક વર્ષમાં નવીન બાબુની તબિયત આટલી બગડી કેવી રીતે ગઈ ?. શું તેમની બગડતી તબિયત પાછળ કોઈ ષડયંત્ર છે?
હાલમાં જ ઓડિશાના સીએમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં નવીન પટનાયક એક સભાને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેના હાથ ધ્રૂજતા દેખાય છે. આ દરમિયાન, મંચ પર હાજર બીજેડી નેતા વીકે પાંડિયન તેમનો હાથ પકડીને પાછળની તરફ છુપાવે છે.
કોણ છે વીકે પાંડિયન?
ઓડિશાના રાજકારણ પર મજબૂત પકડ ધરાવતા વીકે પાંડિયનને નવીન પટનાયકના ઉત્તરાધિકારી માનવામાં આવે છે. પાંડિયન ભૂતપૂર્વ IAS અધિકારી પણ રહી ચૂક્યા છે. માનવામાં આવે છે કે ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ વીકે પાંડિયનને સીએમ બનાવવામાં આવી શકે છે..