Site icon Revoi.in

પશુ જૈવિક સંસ્થા: પ્રથમ બેચમાં ગળસૂંઢાની કુલ 2.79 લાખ રસીનું ઉત્પાદન કરાયું

Social Share

અમદાવાદઃ ગાંધીનગર ખાતેથી પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે પશુ જૈવિક સંસ્થા દ્વારા જી.એમ.પી.ના આધુનિક ધારાધોરણો મુજબ ઉત્પાદન કરાયેલી ગળસૂંઢાની રસીના પ્રથમ જથ્થાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પશુપાલન ખાતા હેઠળની ગાંધીનગર સ્થિત પશુ જૈવિક સંસ્થા એ પશુઓમાં થતા જીવલેણ રોગો સામે રક્ષણ આપવા માટે રસી ઉત્પાદન કરતી રાજ્યની એકમાત્ર સંસ્થા છે. રાજ્યના પશુઓને સુરક્ષિત કરવા રસી ક્ષેત્રે હવે ગુજરાત સ્વનિર્ભર બન્યું છે. પશુ જૈવિક સંસ્થા દ્વારા ગળસૂંઢાની રસીની પ્રથમ બેચમાં કુલ 2.79 લાખ ડોઝનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. પશુઓને થતા ગળસૂંઢા જેવા જીવલેણ રોગ સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પશુઓને આ રસી વિનામૂલ્યે આપવામાં આવે છે.

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પશુઓને થતા રોગના નિયંત્રણ અને અટકાવ માટે પશુઓમાં વિનામૂલ્યે રસીકરણની સેવા પૂરી પાડવી એ રાજ્ય સરકારની હરહંમેશ પ્રાથમિકતા રહી છે. એટલા માટે જ ગુજરાત છેલ્લા ઘણા વર્ષોથી પશુ રોગ માટે રસીનું નિર્માણ કરી રહ્યું હતું. પરંતુ વર્ષ 2015માં જી.એમ.પી.ના આધુનિક ધારાધોરણો લાગુ થતા વર્ષ 2016થી રસીનું ઉત્પાદન બંધ કારાયું હતું. જી.એમ.પી.ના ધોરણે પશુ જૈવિક સંસ્થાના આધુનિકરણની કામગીરી પૂર્ણ કર્યા બાદ હવે આ સંસ્થા ખાતે ફરી એકવાર રસીનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે. ઉત્પાદન શરુ થતા પ્રથમ તબક્કામાં ગળસૂંઢાની રસીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં ત્રણ બેચમાં 2.79 લાખ ડોઝનું ઉત્પાદન થયું છે, જ્યારે ચોથી અને પાંચમી બેચનું ઉત્પાદન કાર્ય પ્રગતિમાં છે.

મંત્રી રાઘવજી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, પશુ જૈવિક સંસ્થા-ગાંધીનગરનું આધુનિકરણ થતા મહારાષ્ટ્ર અને કર્ણાટક બાદ ગુજરાત દેશનું ત્રીજું એવું રાજ્ય બન્યું છે, જ્યાં રાજ્ય સરકાર હસ્તક જી.એમ.પી. ધારાધોરણો મુજબનું રસી ઉત્પાદન કેન્દ્ર હોય. રાજ્યમાં પશુ રોગની રસી ઉત્પાદન શરુ થતા હવે ગુજરાત આ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બન્યું છે, ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ પ્રસંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પશુ જૈવિક સંસ્થા-ગાંધીનગર ખાતે ગળસૂંઢા ઉપરાંત ગાંઠીયો તાવ, આંત્રવિષ જવર સામેની રસી તેમજ સાલ્મોનેલ્લા પુલોરમ એન્ટીજનનું પણ ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં બીજા તબક્કા હેઠળ શીપ પોક્સ, રાનીખેત ડીસીસ અને ફાઉલ પોક્સ જેવા વાયરલ રોગ સામેની રસીનું પણ પશુ જૈવિક સંસ્થા ખાતે ઉત્પાદન કરવામાં આવશે.