ગાંધીનગરઃ રાજ્યમાં વિજય રૂપાણી સરકારના સ્થાને ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને વધુ માન-સન્માન મળે અને તમામ અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યોના ફોન ઉપાડે અને તેમના કામ કરે તેવી તાકિદ કરવામાં આવી છે. પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યો અને સાંસદોને સચિવાલય અને અન્ય કચેરીના અધિકારીઓ ગણકારતા નહીં હોવાની વ્યાપક બનેલી ફરિયાદો બાદ નવી સરકારે શરૂઆતના તબક્કે જ ધારાસભ્યો- સાંસદોને વિવેકપૂર્ણ પ્રતિભાવ આપવા અધિકારીઓને કડક શબ્દોમાં તાકીદ કરી છે. અધિકારીઓને તમામ ધારાસભ્યો- સાંસદોના સંપર્ક નંબરો પોતાના મોબાઇલ ફોનમાં સેવ રાખવાની સૂચના પણ આપી છે અને ટેલિફોન પર પણ વિવેકપૂર્ણ પ્રતિભાવ આપવા સામાન્ય વહીવટ વિભાગે લેખિત આદેશ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી કચેરીઓમાં બાબુશાહી પર નિયંત્રણ લાવવા અને એમપી-એમએલએનું લોકોના પ્રશ્નો અંગે વર્ચસ્વ વધે તે માટે દર સોમ-મંગળવારે અધિકારીઓને મીટિંગ નહીં રાખવા અને ધારાસભ્યોને રાહ જોવડાવ્યા વિના મુલાકાત આપવા સરકારે સૂચના આપી હતી, આ માટેનો લેખિત આદેશ બહાર પાડ્યો હતો. હવે સામાન્ય વહીવટ વિભાગે પણ વધારાની સૂચનાઓ જારી કરી છે.
સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર મારફતે આપેલી સૂચના મુજબ અધિકારીઓએ સાંસદો અને ધારાસભ્યોના સંપર્ક નંબરો ફોનમાં રાખવો પડશે અને તેમનો ફોન અનિવાર્ય કારણોસર ઉપાડી ન શકાય તો પછી તરત જ કોલબેક કરવાનો રહેશે, લેખિત પત્રોનો નિકાલ પણ નિયમ પ્રમાણે કરવો પડશે. ધારાસભ્યો-સાંસદો અધિકારીને તેમની કચેરીમાં ફોન કરે ત્યારે તેમની ગેરહાજરીમાં ફોન ઉપાડનાર કર્મચારી, અંગત મદદનીશ કે રહસ્ય સચિવે આ ફોનની નોંધ કરીને તેની યાદી રાખી અધિકારીના ધ્યાને સત્વરે મૂકવાની રહેશે. પ્રજાનાં કામો સરકારની મુખ્ય પ્રાથમિકતા હોવાથી કચેરીઓમાં સરળતાથી નિકાલ થાય તે માટે પ્રજા તથા પ્રતિનિધિ મંત્રીઓ, અધિકારીઓને સહેલાઇથી મળી શકે તે માટે પૂરતું આયોજન કરવાના ભાગરૂપે આ સૂચના અપાઈ હોવાનું પરિપત્રમાં જણાવાયું છે.