Site icon Revoi.in

અમદાવાદમાં SG હાઈવે પર એસટી બસોને સર્વિસ રોડ પર દોડાવવા, નિયત સ્ટેન્ડે ઊભી રાખવા સુચના

Social Share

અમદાવાદઃ શહેરના એસ જી હાઇવે પર નિયત કરેલા સ્ટેન્ડ પર એસટી બસ ઊભી રહેતી ન હોવાની ફરિયાદ ઊઠી છે. એસજી હાઈવે પર ઓવરબ્રીજ પરથી એસટી બસો પસાર થતી હોવાથી ઘણા સ્ટેન્ડ ઓવરબ્રીજની નીચે આવી ગયા છે. આથી એસટી નિગમે આદેશ કર્યો છે કે, એસટી હાઈવે પર સર્વિસ રોડ પર એસટી બસ ચલાવવી તેથી નિયત સ્ટેન્ડ પર બસ ઊભી રાખી શકાય.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના એસજી હાઈવે પર નિયત સ્ટેન્ડ પર કેટલીક બસો ઊભી રહેતી ન હોવાની ફરીયાદ મુસાફરોમાં ઉઠી છે. આથી એસ.જી.હાઇવે ઉપરથી પસાર થતી એસ ટી બસોએ સર્વિસ રોડ ઉપરથી સંચાલન કરવાનો એસ ટી નિગમે આદેશ કર્યો છે. એસ જી હાઇવે ઉપર શાળાઓ, કોલેજો, ખાનગી એકમો સહિત વધી રહ્યા છે. આથી નોકરી કરતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવીઝન તેમજ મહેસાણા ડિવીઝનમાંથી અમુક બસોના રૂટ એસ જી હાઇવે ઉપર કરવામાં આવ્યા છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શહેરના એસ જી હાઇવે ઉપર ઓવરબ્રીજ બનાવ્યો હોવાથી અમુક બસો સર્વિસ રોડ ઉપર સંચાલન કરવાને બદલે ઓવરબ્રીજ ઉપરથી સંચાલન કરી રહી છે. મુસાફરોએ એસ ટી મુસાફર પાસ યોજનાનો લાભ લીધો હોવાથી પાસ હોવા છતાં ખાનગી વાહનમાં જવાની ફરજ પડી રહી છે. એસ.જી.હાઇવે ઉપર દોડતી અમુક બસો ઓવરબ્રીજ ઉપરથી બારોબાર જતી રહેતી હોવાની ફરીયાદ મુસાફરોએ કરતા એસ જી હાઇવે ઉપર સંચાલન કરતી તમામ બસોએ સર્વિસ રોડ ઉપર જ સંચાલન કરવાનું અને નિયત સ્ટોપેજ ઉપરથી મુસાફરો લેવા અને ઉતારવાના રહેશે.