અમદાવાદઃ શહેરી વિકાસ રાજયમંત્રી વિનોદ મોરડીયાએ રાજયની મહાનગરપાલિકાઓના કમિશનરઓ સાથે શહેરી વિકાસ વિભાગના સચિવ(હાઉસીંગ)ની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સ મારફત મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રિ મોનસુન અંગેની તૈયારીઓની સમીક્ષા કરી તૈનાત રહેવા સૂચનાઓ આપી હતી. મંત્રી મોરડીયાએ રાજયની મહાનગરપાલિકાઓના કમિશનરો સાથે મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રિ મોનસુન અંગેની કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી.
શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરવા, વૃક્ષોને યોગ્ય રીતે ટ્રીમીંગ કરવા માટે તે ઉપરાંત ભય જનક મિલકતો આવેલી હોય તેનો તાત્કાલિક સર્વે કરીને તે ઉતારી પાડવા અને આવી ઇમારતોમાં વસતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા સહિતનું જરૂરી આયોજન કરવા, નિચાણ વાળા વિસ્તારોને સ્થળાંતર કરવાનું થાય તેવી પરિસ્થિતિમાં ત્યાંના વસાહતીઓને યોગ્ય સ્થળે વસાવવા સહિત પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થાય તે મુજબનું આયોજન કરવા માટે તથા આકસ્મિક સંજોગોમાં જરૂરી સંશોધનો સાથે રેસ્કયુ ટીમને સ્ટેન્ડ બાય રાખવાની વ્યવસ્થા કરવા તમામ મ્યુનિસિપલ કમિશ્નરોને સુચનાઓ આપી હતી.
મંત્રીએ ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં મહાનગરપાલિકાઓને ટીપી સ્કીમ રૂએ પ્રાપ્ત થયેલ પ્લોટોમાં થયેલ દબાણ દુર કરવા માટે આપેલ સૂચનાઓ સંદર્ભે મહાનગરપાલિકાઓ દ્વારા દબાણ દુર કરવા કરાયેલ કાર્યવાહીની વિગતો મેળવી હતી અને આવા પ્લોટોમાં ફેન્સીંગ-કમ્પાઉંડ વોલ બનાવીને દબાણ ન થાય તે સુનિશ્ચિત કરવા તેમજ મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને અને વિકાસના કામોને વેગ મળે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે નક્કર કાર્યવાહી હાથ ધરવા બાબતે કમિશનરોને સૂચનાઓ આપી હતી.