Site icon Revoi.in

ગુજરાતમાં સાંસદો અને ધારાસભ્યોની રજુઆતનો 5 દિવસમાં નિકાલ કરવા અધિકારીઓને સુચના

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં સાંસદો અને ધારાસભ્યોના પત્રોના જવાબો આપવાની પણ અધિકારીઓ દરકાર લેતા નહોતા. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો  સરકારી કચેરીઓમાં પ્રજાના પ્રશ્નોની અધિકારીઓ સમક્ષ રજુઆત માટે જાય ત્યારે સરખો જવાબ પણ આપતા નહતા. પરંતુ વિપક્ષના ધારાસભ્યો હોવાથી સરકારી અધિકારીઓ ગાંઠતા નહોતા. પણ હવે ભાજપના સાંસદો અને ધારાસભ્યોને પણ સરકારી અધિકારીઓનો કડવો અનુભવ થવા લાગતા મુખ્યમંત્રી તેમજ પક્ષના અધ્યક્ષ સીઆર પાટિલને પણ ફરિયાદો કરતા આખરે સામાન્ય વહિવટ વિભાગે તમામ અધિકારીઓને સુચના આપી છે. કે, ધારાસભ્યો અને સાંસદોના પત્રોનો પાંચ દિવસમાં નિકાલ કરવો, તેમજ તેમને પત્રના જવાબ આપવા પણ તાકીદ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોના પત્રો ય વિવિધ વિભાગોમાં મહિનાઓ સુધી પડ્યા રહે છે. પરિણામે અરજદારો-મતવિસ્તારોની સમસ્યા ઠેરની ઠેર રહે છે. આ કારણોસર સાંસદો-ધારાસભ્યો ય સરકાર સામે નારાજ બન્યા હતા. અને સીએમ અને પક્ષના અધ્યક્ષને રજુઆતો કરી હતી. તેથી સામાન્ય વહીવટ વિભાગે ફરી એક વાર બધા વિભાગોને સૂચના આપી છે. કે,  સાંસદો અને ધારાસભ્યોના પત્રોનો માત્ર પાંચ દિવસમાં જ નિકાલ કરો. પત્રો વિભાગોમાં ધૂળ ખાય છે પરિણામે પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. ધારાસભ્ય-સાંસદો નારાજ રહે છે. ત્યારે પક્ષમાં કરવામાં આવેલી આ પ્રકારની ફરિયાદને પગલે સરકારી તંત્ર હવે સાબદુ બન્યુ છે.  હવેથી સાંસદો અને ધારાસભ્યોએ પત્ર દ્વારા કરેલી રજૂઆત કે કોઈ ભલામણનો ઝડપી સમાધાન કરવા પ્રયાસ કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, આરોગ્ય અને પંચાયત વિભાગમાં સાંસદો અને ધારાસભ્યોએ પ્રજાના પ્રશ્નોને લઇને  લખેલાપત્રો પડી રહ્યા  છે. જેમાં ભાજપના સાંસદો-ધારાસભ્યોની ફરિયાદ એવી છે કે, વિભાગોમાં પત્રો પડી રહે છે,  જેથી પ્રશ્નોનો નિકાલ થઇ શકાતો નથી. વારંવાર કડક સૂચના આપવામાં આવી હોવા છતાં આ મામલે પાલન થતું નથી. આ મામલે સરકારે ગંભીરતાની નોંધ લીધી છે. સામાન્ય વહીવટ વિભાગે આદેશ અથવા કર્યો છે કે, સાંસદો-ધારાસભ્યોના પત્રને માત્ર પાંચ દિવસમાં જ જે તે વિભાગમાં મોકલવાનો રહેશે. જોકે, આ સમયમર્યાદા 10  દિવસ સુધીની રાખવામાં આવી છે. આ વખતે સામાન્ય વહીવટ વિભાગે નિયમનુ પાલન નહી કરનારાં અધિકારી- કર્મચારી સામે પગલાં લેવા પણ ચિમકી આપી છે.