Site icon Revoi.in

થર્ટીફસ્ટને લીધે છેલ્લા બે દિવસથી બનાસકાંઠાની તમામ ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા સરહદી જિલ્લો ગણાય છે. નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવતા-જતા વાહનોની વણઝાર જોવા મળતી હોય છે. થર્ટી ફસ્ટને લીધે રાજસ્થાન તરફથી આવતા વાહનોમાં દારૂની હેરાફેરી પણ થતી હોવાથી બનાસકાંઠા પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોની તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે.

થર્ટી ફસ્ટની ઉજવણી રાજ્યમાં શાંતિમય થાય જેને લઇને બનાસકાંઠાની તમામ બોર્ડર ઉપર પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. અમીરગઢ, છાપરી, પાંથાવાડા અને થરાદ બોર્ડર પર પોલીસ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ નશીલા પદાર્થો અને ગેરકાયદેસર હથિયારો ન પ્રવેશે અને થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિમય રીતે થાય જેને લઈને પોલીસ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમીરગઢ બોર્ડર સંવેદનશીલ બોર્ડર છે. અવનવી તરકીબો કરી અને અમીરગઢ બોર્ડર પરથી મોટા પાયે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે.

ગુજરાતથી ઘણા પ્રવાસીઓ માઉન્ટ આબુ, ઉદેપુર સહિતના પ્રવાસે ગયેલા છે. જેમાં કેટલાક પ્રવાસીઓ દારૂના નશા સાથે પરત ફરતા હોવાથી અમીરગઢ બોર્ડર પર બ્રેથ એનેલાઇઝર દ્વારા પોલીસ ચેકિંગ કરાઇ રહ્યું છે. ટ્રક, બસ, કાર અને બાઈક કોઈપણ શંકાસ્પદ લાગે તો પોલીસ તેનું ચેકિંગ કરી રહી છે અને જો કોઈ દારૂ પીને પકડાય અથવા દારૂ લઈ જતું પકડાય તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરી રહી છે.

આ અંગે અમીરગઢ પી.આઈ. ધવલ પટેલે જણાવ્યું હતું કે, રેન્જ આઈજી તરફથી તેમજ જિલ્લા પોલિસ અધિક્ષક દ્વારા સૂચના મળેલી કે, 31 ડિસેમ્બરને લઇને કડકમાં કડક વાહન ચેકિંગ કરવું. જે બાબતે બોર્ડરની ચેકપોસ્ટ પર વધુમાં વધુ કર્મચારી ફાળવેલા છે જે 24 કલાક તૈનાત છે.