શંકાસ્પદ ઉપકરણો સાથે પાકિસ્તાન જતા ચીનના જહાજને ભારતીય સુરક્ષા એજન્સીએ અટકાવ્યું ?
- જહાજ કરાંચી બંદર જતુ હતું
- જહાજ ઉપર હોંગકોંગનો ધ્વજ હતો
- અણુ પ્રક્રિયામાં કામમાં આવતા ઉપકરણો મળ્યાં
અમદાવાદઃ શંકાસ્પદ ઉપકરણો લઈને પાકિસ્તાનના કરાંચી બંદર જઈ રહેલા ચીનના જહાજને ભારતીય સુરક્ષા એજન્સીએ અટકાવ્યું હતું. તેમજ જહાજમાં શંકાસ્પદ વસ્તુઓ લાગતા તેને કંડલા બંદર લાવવામાં આવ્યું હતું. જહાજમાં અણુ પ્રક્રિયામાં કામમાં આવતા ઉપકરણો મળી આવ્યાં હતા. ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના અણુ વૈજ્ઞાનિકોની બીજી ટીમને દોડાવવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કરાંચીના કાસીમ પોર્ટ જતાં અને હોંગકોંગનો ધ્વજ ધરાવતા જહાજને આંતરવામાં આવ્યુ હતું અને તપાસ માટે કંડલા પોર્ટ લઈ જવામાં આવ્યુ હતું. ડીઆરડીઓ દ્વારા ઉપકરણોની ચકાસણી કરવામાં આવી હતી. ચીનના જીયાંગસુ પ્રાંતના જીયાંજુન બંદરેથી નિકળેલુ આ જહાજ કરાંચી પોર્ટ જતા પૂર્વે કંડલા રોકાયુ હતું. આ જહાજમાં શંકાસ્પદ સામગ્રી હોવાનો રીપોર્ટ રાષ્ટ્રીય સુરક્ષા તથા ગુપ્તચર એજન્સીઓના ટોપ લેવલ પરથી કરવામાં આવ્યો હતો. 18 બાય 4 મીટરનાં ઓટોકલેવનું ડીઆરડીઓ દ્વારા ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક તથા ઔદ્યોગીક પ્રક્રિયામાં ઓટોકલેવ પ્રેસર ચેમ્બર તરીકે કામ કરે છે. નાગરીક ઉપરાંત લશ્કરી હેતુમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે.
ડીઆરડીઓનાં અણુ વૈજ્ઞાનિકોની બીજી ટીમને કંડલા દોડાવવામાં આવી છે. આ ટીમનો રીપોર્ટ પણ પ્રથમ ટીમ જેવોજ આવવાનાં સંજોગોમાં સમગ્ર સામગ્રી જપ્ત કરાશે અને જહાજ કંપની સામે વિવિધ કાયદા હેઠળ ગુન્હા દાખલ કરવામાં આવશે.