મહેસાણાઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. સૌથી વધુ અકસ્માતો વાહનોની ઓવર સ્પિડિંગને કારણે થતા હોય છે. ત્યારે નિયત કરતા વધારો સ્પીડમાં દોડવાતા વાહનેનો ગતિ મર્યાદામાં રાખવા હાઈવે પર ચેકિંગ અભિયાન કરાશે, જેમાં મહેસાણા-પાલનપુર હાઈવે પર આરટીઓ દ્વારા ઈન્ટર સેપ્ટર વાહનો દ્વારા સતત માનિટરિંગ કરાશે. સ્પીડગનથી ઓવરસ્પિડના વાહનોના ફોટા પાડીને વાહનચાલકોને રૂપિયા 2000નો દંડ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા અને ઊંઝા હાઈવે વર સતત વધી રહેલા અકસ્માતને નિવારવા માટે મહેસાણા RTOએ એક ખાસ ઈન્ટર સેપ્ટર વાન તૈયાર કરી છે. આ ઈન્ટર સેપ્ટર વાન દ્વારા પૂરફાટ દોડતા વાહનોની સ્પીડને એક કિલોમીટર દૂરથી જ માપી લેવાશે. વાહનોની સ્પીડ 80 કે તેનાથી વધારે કિલોમીટર પ્રતિકલાક હશે તો આવા વાહનોને ટ્રેક કરીને વાહનમાલિકોના ઘરે ઈ-મેમો પહોંચાડી દેવાશે. છેલ્લા કેટલાક સમયથી મુકાયેલી આ ખાસ વાન હવે રોજિંદી જોવા મળશે.
મહેસાણા RTOના સૂત્રોના કહેવા મુજબ ઈન્ટર સેપ્ટર વાનને કારણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ત્યારે હવે વ્યવસ્થાને કાયમી ધોરણે લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા અને ઊંઝા વચ્ચે એપ્રિલ 2022થી જૂન 2023 સુધીમાં 45 અકસ્માત થયા હતા. અને તેમાં 53 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. આ અકસ્માત ઘટાડવા માટે જ મહેસાણા RTOએ મહેસાણા-ઊંઝા રોડ ઉપર ઓવર સ્પીડિંગ પર નિયંત્રણ લાવવા માટે આ વાન તૈયાર કરી છે. સ્પીડ ગનમાં ઓવર સ્પીડ હોય તેવા વાહન ચાલકને મેમો ફટકારવામાં આવે છે. પ્રત્યેક ઓવર સ્પિડ પર 2000 રુપિયાનો દંડનું ઈ-ચલણ ઘરે મોકલવામાં આવે છે. આવી રીતે અત્યાર સુધીમાં 4500 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે. બેફામ ગતિ દોડતા વાહનોને લઈ સર્જાતા અકસ્માતોને ઘટાડવા માટે આરટીઓ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઈ છેલ્લા કેટલાક સમયથી ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. (File photo)