ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો કપરો કાળ પૂર્ણ થયા બાદ સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લેતા જનજીવન રાબેતા મુજબ બન્યું છે. ત્યારે રાજ્યનો પ્રવાસન ઉદ્યોગ પણ ધમધમતો થયો છે.ગુજરાતમાં સરકારની પ્રોત્સાહક નીતિને કારણે અનેક પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવ્યા છે. જેનાથી પ્રવાસનના વિકાસની તકોમાં વધારો થયો છે. જોકે હાલ કોરોનાના વધતા જતા કેસને લીધે પર્યટકોને નિયમોનું પાલન કરવા, માસ્ક પહેરવા, વગેરે સુચના આપવામાં આવી છે.
રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉટ્ટયન પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત એ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે સમય અને સ્થળને ધ્યાનમાં રાખીને દેશની એક ખાનગી કંપની દ્વારા સુરતથી અમદાવાદ, સુરતથી રાજકોટ, સુરતથી અમરેલી અને સુરતથી ભાવનગરની એરકનેક્ટીવીટી 1લી જાન્યુઆરી, 2022થી 9 સીટર પ્લેન દ્વારા શરૂ કરાશે. ગુજરાતની જીડીપીમાં પ્રવાસન ઉદ્યોગનું યોગદાન ફેબ્રુઆરી 2021 અનુસાર 10.2 ટકા વધ્યુ હતું. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડીયા) ગીર ફોરેસ્ટ, લોથલ, ધોળાવીરા, દ્વારકા પાસે તાજતરમાં જ વિકસાવવામાં આવેલ શિવરાજપુર બીચ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા નવ વર્ષાં (2009-2018)માં ગુજરાતના પ્રવાસન ઉદ્યોગમાં 15થી 17 ટકા સીએજીઆર દરની વૃદ્ધિ નોંધાઇ છે. ગુજરાત સરકારે પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે વવિધ પ્રકારની સબસડીઓ પણ જાહેર કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સહિત ભારતમાં હવે કોરોના હળવો થતા અને પ્રવાસીઓએ ઇન-બાઉન્ડ પ્રવાસો શરૂ કર્યા છે. પરંતુ અમેરિકા, લંડન, યુરોપમાં હજુ પણ નવા ઓમિક્રોન વાયરસને કારણે ગભરાટ જોવા મળી રહ્યો છે. તેના કારણે હજુ પણ ફ્લાઇટ્સ ઉપલબ્ધ નથી. પ્રવાસન ઉદ્યોગમાં જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ નહી થાય ત્યાં સુધી જોઇએ તેવો વેગ દેખાશે નહી. હાલમાં લોકોનુ એક જ ગણિત છે, દેશમાં જ હોઇએ તો ગમે તેમ કરીને પાછા આવી શકાય પરંતુ વિદેશમાં ફ્લાઇટ્સની બિન-ઉપલબ્ધિને કારણે ફસાઇ જવાય. છેલ્લા થોડા સમયથી દુબઇમાં યોજાતા અનેક મેળાઓને કારણે સારો ધસારો રહ્યો હતો પરંતુ હવે લોકો ત્યાં ટીકીટો પણ કેન્સલ કરાવી રહ્યા છે. હાલમાં પણ બધે જ જઇ શકાય છે પરંતુ રેગ્યુલર ફ્લાઇટો નથી. દરેક જગ્યાએ નિયંત્રિત ફ્લાઇટો છે, તેમજ ત્યાં ઘણા પ્રોટોકોલ અનુસરવા પડે છે.