Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ.ની પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજનાઃ 5 દિવસમાં 11 કરોડની આવક

Social Share

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા લોકો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં ઉદાસિનતા દાખવતા હોય છે. અને વ્યાજ સાથે પ્રોપર્ટી ટેક્સ વધી જતા ઘણા લોકો પ્રોપર્ટી ટેક્સ ભરી શકતા નથી. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સપેટે કરોડો રૂપિયા શહેરીજનો પાસેથી લેવાના બાકી નિકળે છે. બીજીબાજુ મ્યુનિ.કોર્પોરેશન ઘણા સમયથી નાણાકિય ખેંચ અનુભવી રહ્યું છે. આથી મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સના બાકીદારો ટેક્સ ભરી શકે તે માટે જાન્યુઆરીથી વ્યાજ માફીની યોજના અમલમાં મુકી હતી. પરંતુ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી.પાંચ દિવસમાં માત્ર 11.82 કરોડની આવક થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાન્યુઆરીથી પ્રોપર્ટી ટેક્સમાં  વ્યાજમાફી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેરનાં આગમન સાથે ટેક્સ ખાતાની ઇન્સેન્ટિવ સ્કીમને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે અને પાંચ દિવસમાં ફક્ત 3 ઝોનમાંથી માત્ર  11-12  કરોડની આવક નોંધાઇ છે. મ્યુનિ. રેવન્યુ કમિટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીની પ્રથમ લહેર અને બીજી લહેર દરમિયાન લોકડાઉન અને કરફ્યૂ સહિતનાં કડક નિયમોને પગલે ભારે નુકસાન વેઠનારા વેપારીઓ માટે મ્યુનિ.એ ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરીથી વ્યાજમાફી યોજના જાહેર કરી છે. જોકે હજુ આ યોજનાની તમામ ઝોનનાં કોમર્શિયલ-રેસિડેન્શિયલ મિલકતધારકોને જાણ નથી નથી, તેથી આગામી દિવસોમાં ટેક્સ ખાતાનાં કર્મચારીઓ જેનો મોટી રકમનો ટેક્સ બાકી છે તેવા વેપારીઓને ફોન કરીને કે રૂબરૂ જઇને વ્યાજમાફી યોજનાનો લાભ લેવા સમજાવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ.એ ત્રણ મહિનાની અભૂતપૂર્વ વ્યાજમાફી યોજના જાહેર કરી છે તેનો લાભ નહિ લેનારા વેપારીઓ સામે સીલ ઝુંબેશ શરૂ કરવામાં આવશે, પરંતુ હજુ સીલ ઝુંબેશ ક્યારથી શરૂ કરવી તેનો નિર્ણય ચર્ચા-વિચારણા બાદ લેવાશે. ટેક્સ ખાતાનાં સૂત્રોએ સ્વીકાર્યું હતું કે, કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસમાં વધારો થવાના કારણે જ જાન્યુઆરીનાં પ્રથમ પાંચ દિવસમાં ઇન્સેન્ટિવ સ્કીમને મોળો પ્રતિસાદ સાંપડ્યો છે. ફક્ત દક્ષિણ, પૂર્વ અને નવા પશ્ચિમ ઝોનમાં જ ટેક્સની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. પાંચ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 11.82 કરોડની આવક થવા પામી છે, તેમાં વ્યાજમાફી યોજના અંતર્ગત કેટલા વેપારીઓએ લાભ લીધો તે હજુ જાણવા મળ્યુ નથી.