રાજ્યમાં સરકારની ચારેય વીજળી કંપનીઓના કર્મચારીઓની આંતરિક બદલીઓ કરાશે,
અમદાવાદઃ રાજ્યમાં સરકાર હસ્તની ચાર વીજ કંપનીઓમાં કર્મચારીઓ ઘણા વખતથી બદલીઓની માગ કરી રહ્યા છે. જેમાં ઘણા કિસ્સામાં પતિ-પત્ની પણ અલગ અલગ સ્થળોએ નોકરી કરી રહ્યા છે. વીજ કંપનીઓના કર્મચારી સંગઠનો દ્વારા પણ કર્મચારીઓની વીજ કેપનીઓમાં આંતરિક બદલીઓ કરવાની રજુઆતો પણ કરવામાં આવી હતી. આખરે સરકારે માગણી મુજબ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની ચાર વીજ વિતરણ કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની આંતર કંપની બદલીઓના વર્ષો જૂના પ્રશ્નો અંગે આખરે સરકારે ઉકેલ લાવીને બદલીની નીતિ તૈયાર કરી દીધી છે. 30 જૂન સુધીમાં બદલીઓની તમામ અરજીઓ અંગે નિર્ણય લઇને સામુહિક બદલીઓ કરવામાં આવશે. ગુજરાત વિદ્યુત બોર્ડનું વિસર્જન કરીને રાજ્યના ચાર ઝોન મુજબ સરકારે ચાર વીજ વિતરણ કંપનીઓની રચના કર્યા બાદ આ તમામ કંપનીઓ સરકાર હેઠળ પણ સ્વતંત્ર કામગીરી કરતી હોવાથી કર્મચારીઓની આંતર કંપની બદલીઓ થઇ શકતી નથી. જેને કારણે અનેક કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી મોટી સંખ્યામાં રજૂઆતો મળતા સરકાર દ્વારા કર્મચારીઓને બદલીનો લાભ આપવા માટે નીતિ તૈયાર કરવામાં આવી છે.
ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, આ પોલીસી ટૂંક સમયમાં અમલી બનાવવામાં આવશે. તેમજ જૂનના અંત સુધીમાં બદલીઓની તમામ અરજીઓ અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારના નિયમ અનુસાર પતિ-પત્ની અલગ અલગ સ્થળે નોકરી કરતા હોય તેવા કિસ્સા ઉપરાંત પારિવારીક કારણો હોય તેવા કિસ્સાઓમાં જ બદલીની પ્રાથમિકતા આપવામાં આવશે.