વિપક્ષ એકતાના દાવાઓ વચ્ચે NCPમાં આંતરિક ખેંચતાણઃ પોસ્ટરમાંથી અજીત પવારની બાદબાકી
મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં, સાંસદ સુપ્રિયા સુલેને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી, એવું લાગે છે કે પાર્ટીમાં બધું બરાબર નથી. હવે NCPના પોસ્ટર પરથી અજિત પવારનો ચહેરો પણ ગાયબ થઈ ગયો છે. નવી દિલ્હીમાં NCPની કાર્યકારિણીની બેઠક મુદ્દે પાર્ટીના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં શરદ પવારના ભત્રીજા અને પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારના ચહેરાનો સમાવેશ કરાયો નથી.
NCPના નવા પોસ્ટરમાં પાર્ટી અધ્યક્ષ શરદ પવાર, કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે અને અન્ય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલનો ચહેરો સામેલ કરાયો છે, પરંતુ પોસ્ટરમાં અજિત પવારને સ્થાન આપવામાં આવ્યું નથી. એનસીપીમાં સંગઠનાત્મક ફેરફારો પછી આ વાત આવી છે, જ્યારે અજિત પવારે અપીલ કરી હતી કે, તેમને એનસીપી સંગઠનમાં ભૂમિકા સોંપવામાં આવે. તેમના ભત્રીજાની વિનંતી પર પ્રતિક્રિયા આપતા શરદ પવારે કહ્યું કે, આવો નિર્ણય એક વ્યક્તિ લઈ શકે નહીં અને પક્ષના અગ્રણી નેતાઓ તેના પર નિર્ણય લેવા બેસી જશે. તેમણે કહ્યું, “તેમના (અજિત) સહિતના અગ્રણી નેતાઓ સાથે બેસીને તેના પર નિર્ણય લેશે. આજે પાર્ટીમાં દરેક વ્યક્તિમાં પાર્ટી સંગઠનમાં કામ કરવાની ભાવના છે અને તેણે (અજિત) એ જ ભાવનાને ધ્યાનમાં લીધી છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા નીતિશ કુમાર સહિતના સિનિયર રાજકીય આગેવાનો વિપક્ષને એક મંચ ઉપર લાવવા પ્રયાસો કરી રહ્યાં છે. તાજેતરમાં બિહારમાં જ વિપક્ષી પક્ષોની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ, એનસીપી, આરજેડી સહિત 15થી વધારે પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. જો કે, આ વિપક્ષી પાર્ટીઓમાં પણ અંદરખાને ખેંચતાણ ચાલી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે.