- અફઘાનિસ્તાનમાં ઘેરુ બન્યું ખાદ્ય સંકટ
- 10 લાખ બાળકો ભૂખમરાને કારણે મરે તેવી વકી
- 32 લાખ અફઘાની બાળકો વિકટ કુપોષણનો ભોગ બનશે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ ત્યાં દિન પ્રતિદીન સ્થિતિ વધુ વણસી રહી છે. ભૂખમરો, આર્થિક સંકટનું પણ સંકટ તોળાઇ રહ્યું છે. યુદ્વગ્રસ્ત તાલિબાનમાં લાખોની સંખ્યામાં બાળકો આ વર્ષના અંત સુધીમાં ભૂખમરાને કારણે મરી શકે છે. WHOએ આ ચેતવણી આપી છે.
WHOએ એવી ચેતવણી આપી છે કે, આ વર્ષના અંત સુધીમાં 32 લાખ અફઘાની બાળકો વિકટ કુપોષણનો ભોગ બનશે. જેમાંથી લગભગ 10 લાખ બાળકો પર મોતનું સંકટ પણ તોળાઇ રહ્યું છે. સંગઠનના પ્રવક્તા માર્ગરેટ હૈરિસે જણાવ્યું કે, દેશમાં ફેલાતા સંકટની વચ્ચે આ મોટી લડાઇ રહેશે.
હેરિસે ત્યાંની સ્થિતિ વર્ણવતા કહ્યું કે, ત્યાં હોસ્પિટલ બાળકોથી ભરેલી છે. ચેચકના મામલા પણ અફઘાનિસ્તાનમાં જોવા મળી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા બાદ ત્યાં ખાદ્ય સંકટ ઘેરુ બન્યું છે ત્યારે તાલિબાન સરકારે એક કાર્યક્રમ લોન્ચ કર્યો છે જે અંતર્ગત લોકોને કામના બદલામાં અનાજ આપવામાં આવશે. આ કાર્યક્રમ દેશના મોટા શહેરમાં ચાલી રહ્યો છે.
નોંધનીય છે કે, થોડાક સમય પહેલા સંયુક્ત રાષ્ટ્રનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે અફઘાનિસ્તાનમાં લગબગ 1.9 કરોડ લોકો ખાદ્ય સંકટનો સામનો કરે તેવી વકી છે.