અફઘાનિસ્તાનની સ્થિતિ ચિંતાજનક, લોકો પૈસા માટે 20 દિવસની બાળકીઓને વેચી રહ્યાં છે: રિપોર્ટ
- અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ બરબાદી વધી
- અહીંયા લોકો પૈસા માટે 20 દિવસની બાળકીઓને વેચી રહ્યાં છે
- ત્યાં ખાદ્ય સંકટ પણ વધુ ઘેરુ બન્યું છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાન પતન તરફ આગળ વધી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ખાદ્ય અને આર્થિક સંકટ ઘેરુ બન્યું છે. પ્રજા પર દમન અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.
અફઘાનિસ્તાનમાં પૈસાની તંગી પણ હવે એ હદે વર્તાઇ રહી છે કે, માતા પિતા થોડાક પૈસા મેળવવા માટે પોતાની 20 દિવસની બાળકીના પણ લગ્ન કરાવી દેવા માટે લાચાર બન્યા છે. જેથી દહેજમાં થોડા પૈસા મળી શકે.
યુનિસેફના આંકડા પર નજર કરીએ તો અફઘાનિસ્તાનમાં 28 ટકા કિશોરીઓના લગ્ન 15 વર્ષ પહેલા અને 49 ટકાના લગ્ન 18 વર્ષ પહેલા જ કરી દેવામાં આવે છે. વર્ષ 2018-2019માં અફઘાનિસ્તાનના બે પ્રાંતમાં જ 183 બાળ વિવાહ થયા હતા અને બાળકોને વેચી નાંખ્યા હોય તેવા કિસ્સાઓ પણ પ્રકાશિત થયા હતા. વેચાયેલા બાળકોનું વયજૂથ 6 મહિનાથી 17 વર્ષ સુધી હતું.
યુનિસેફના રિપોર્ટમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, અફઘાનિસ્તાનમાં પરિવારો દહેજના બદલામાં ભાવિમાં લગ્ન કરવા માટે 20 દિવસની બાળકીઓને પણ વેચવા માટે મજબૂર બન્યા છે. તેનું કારણ એ છે કે અફઘાનિસ્તાનમાં અડધા કરતા વધારે વસ્તી પાસે પીવાનું પાણી અને ખાવાની પણ વ્યવસ્થા નથી. આર્થિક સંકટ ઘેરુ બનતા લોકો વધુને વધુ ગરીબી તરફ ધકેલાઇ રહ્યાં છે.
બાળ વિવાહ અને બાળ મજૂરી જેવા દૂષણો સામે લડવા માટે શિક્ષણ મહત્વનું માધ્યમ છે અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ યુવતીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. જેને કારણે ત્યાં સ્થિતિ વધુ કથળી છે.