Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં ભૂખમરો અને ગરીબી ભરડો લેશે, UNએ ચિંતા વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ સંકટ સતત વધી રહ્યું છે. એક એવો અહેવાલ સામે આવ્યો છે કે, અફઘાનિસ્તાનમાં સપ્ટેમ્બરના અંત સુધીનો જ રાશનનો જથ્થો છે. તેથી અફઘાનિસ્તાનમાં ભૂખમરાનું પણ સંકટ તોળાઇ રહ્યું છે. આ વચ્ચે યુએનએ ચેતવણી આપી છે કે, દેશમાં ટૂંક જ સમયમાં ભૂખમરો અને ગરીબી ભરડો લેશે.

UNએ ચિંતા વ્યક્ત કરી છે કે, આ સાથે જ સામાજીક વ્યવસ્થા પણ વેરવિખેર થઇ જશે. જો આ દેશને આર્થિક મદદ નહીં મળે તો દેશ સંપૂર્ણપણે વિખેરાઇ જશે. લાખો અફઘાન નાગરિકો ગરીબી અને ભૂખમરામાં જીવવા મજબૂર થશે.

સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત ડેબોરાહ લાયન્સ દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. ડેબોરાહે ગુરુવારે વિશ્વના દેશોને એક સાથે મદદ માટે આવવા અને દેશને બરબાદીથી બચાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે અફઘાનિસ્તાનના અર્થતંત્રનો મુદ્દો સમજવો પડશે.

તે ઉપરાંત એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, તાલિબાનનું ઇસ્લામિક શાસન અન્ય પાડોશી દેશમાં પણ ફેલાઇ શકે છે. લાયન્સે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં માનવાધિકાર કટોકટી આ સમયે ખૂબ જ છે અને જો હવે સ્થિતિ નિયંત્રિત નહીં થાય તો આગામી દિવસો વધુ ખતરનાક બની જશે. તેમના અનુસાર અબજો ડોલરની અફઘાન સંપત્તિ જપ્ત કરવાને કારણે આ સંકટ ઉપસ્થિત થયુ છે.

જો આ સ્થિતિ યથાવત રહેશે તો આર્થિક માળખું તૂટી જશે. ઘણા લોકો ભૂખ અને ગરીબીને કારણે દેશ છોડી શકે છે અને દેશ ઘણી સદીઓ પાછળ ધકેલાઈ જશે.

લાયન્સે 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું, ‘આગામી કેટલાક મહિનાઓ સુધી અર્થતંત્રને શ્વાસ લેવાની છૂટ આપવી પડશે. તાલિબાનને એક તક આપવી પડશે જેથી તેઓ આ વખતે કંઈક અલગ કરી શકે.