Site icon Revoi.in

અફઘાનિસ્તાનની સ્થિતિ બેહાલ, તાલિબાન સરકારનો ઢાંકપીછોડો, કહ્યું – આર્થિક કટોકટી માટે અમારી સરકાર જવાબદાર નહીં

Social Share

નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદથી યુદ્વગ્રસ્ત દેશની સ્થિતિ સતત કથળી રહી છે. અફઘાનિસ્તાનમાં ભૂખમરો, આર્થિક કટોકટી, તાલિબાનનું દમન જેવી અનેક સમસ્યાઓથી અફઘાનિસ્તાનની હાલત બગડી રહી છે. આ વચ્ચે તાલિબાનના વડાપ્રધાને પોતાની સરકારનો લુલ્લો બચાવ કરતા કહ્યું હતું કે, આર્થિક કટોકટી માટે અમે જવાબદાર નથી.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બાદ પ્રથમ વખત મોહમ્મદ હસન દ્વારા જાહેર સંબોધન કરવામાં આવ્યું હતું. તાલિબાનની સત્તા બાદથી મોટા ભાગના આંતરરાષ્ટ્રીય સંગઠનોએ અફઘાનિસ્તાનને અપાતી આર્થિક સહાય રોકી દીધી હતી અને વિદેશમા રખાયેલી અબજો ડૉલરની અફઘાન સંપત્તિઓ સ્થિર કરી દેવામાં આવી હતી. તાલિબાન સતત ફ્રીઝ કરેલી સંપત્તિને મુક્ત કરવા માટે આજીજી કરી રહ્યું છે.

તાલિબાને દેશમાં જોવા મળી રહેલી તંગ સ્થિતિ માટે દોષનો ટોપલો અગાઉની સરકાર પર ઢોળતા કહ્યું હતું કે, વધતી જતી બેરોજગારી તેમજ નાણાકીય કટોકટી અગાઉની યુએસ સમર્થિત સરકાર હેઠળ શરૂ થઇ હતી. વધુમાં તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનોએ તાલિબાનને દોષી ઠેરવવાના દાવા પર વિશ્વાસ ના કરવો જોઇએ. દેશને સાવધાન રહેવું જોઇએ. અગાઉની સરકારના લોકો ચિંતા પેદા કરી રહ્યા છે અને તેમની સરકાર સામે ભ્રમણ ઉભી કરી રહ્યા છે.

નોંધનીય છે કે, તાલિબાનના વડા પ્રધાને (Mohammed Hassan Akhund)કહ્યું, અમે શક્ય તેટલી લોકોની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે દરેક વિભાગમાં ઓવરટાઇમ કામ કરી રહ્યા છીએ. જૂથે આર્થિક કટોકટીનો ઉકેલ લાવવા અને સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા માટે સમિતિઓની રચના કરી છે.