- એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનું આગામી લક્ષ્ય
- હવે અંતરિક્ષામાં બનાવશે પોતાનું સ્પેસ સ્ટેશન
- આ સ્પેસ સ્ટેશનમાં 10 લોકો રહી શકશે
નવી દિલ્હી: થોડાક સમય પહેલા સ્પેસ યાત્રા કરીને પરત ફરેલા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ હવે પોતાનું સ્પેસ સ્ટેશન લૉન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આપને જણાવી દઇએ કે જેફ બેઝોસ પોતાની બ્લુ ઓરિજીન નામની સ્પેસ કંપની પણ ધરાવે છે.
બેઝોસે સ્પેસ સ્ટેશન અંગે એવી જાહેરાત કરી છે કે, અંતરિક્ષમાં હું મારું પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ. જેમાં 10 લોકોના રહેવાની જગ્યા હશે. આ સ્પેસ સ્ટેશન વર્ષ 2025 પછી ગમે ત્યારે લોન્ચ કરવામાં આવશે. આ સ્ટેશનને ઓર્બિટલ રીફ નામ આપવામાં આવ્યું છે. આ સ્પેસ સ્ટેશનમાં ખાસ કરીને માઇક્રો ગ્રેવિટીને લગતું રિસર્ચ પણ હાથ ધરવામાં આવશે.
આ યોજના અંગે વાત કરતા બેઝોસની કંપની બ્લુ ઓરિજીનના એક અધિકારીએ કહ્યું હતું કે, આગામી એક દાયકામાં સ્પેસમાં વ્યાપાર શરૂ કરીશું. સ્પેસ ફ્લાઇટ્સને સામાન્ય બનાવવાની તમામ સુવિધાઓ આ સ્પેસ સ્ટેશન થકી પૂરી પાડવામાં આવશે.
બીજી કંપનીઓ પણ આ પ્રકારના સ્ટેશન બનાવવા માટે વિચાર કરી રહી છે. નાનો રોક્સ કંપનીએ આ માટે લોકહીડ માર્ટીન કંપની સાથે કરાર કર્યા છે.
બેઝોસ જે સ્પેસ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય ધરાવે છે તેની વિશેષતા પર નજર કરીએ તો તે ધરતીથી 500 કિમીની ઊંચાઇ પર હશે. જે અત્યારના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી થોડુ ઉપર હશે. અહીંયા રહેનારા યાત્રીઓ 24 કલાકમાં 32 સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઇ શકશે. 10 લોકો તેમાં રહી શકશે.
નોંધનીય છે કે, હાલનુ ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન અમેરિકા અને રશિયાના સહયોગથી 2011માં બનાવાયુ હતુ અને તે 2028 બાદ બંધ કરવામાં આવે તેવી સંભાવના છે.