- ભારતના રશિયા પાસેથી એસ-400 ખરીદીના નિર્ણય પર અમેરિકા ખફા
- ભારતનો નિર્ણય ભારત અને યુએસના સંબંધોમાં તણાવ લાવી શકે છે: વેન્ડી શર્મા
- બંને દેશો વચ્ચે વાતચીતથી સમસ્યાનું નિવારણ આવી શકે
નવી દિલ્હી: ભારત સતત તેની સંરક્ષણ ક્ષમતાઓને વધારી રહ્યું છે અને હવે ભારત રશિયા પાસેથી ટૂંક સમયમાં S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદી કરવા જઇ રહ્યું છે ત્યારે ભારતના આ નિર્ણય પર અમેરિકાએ ફરી એક વાર વાંધો વ્યક્ત કર્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, યુએસની બાઇડેન સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, રશિયાથી એસ-400 મિસાઇલ રક્ષા પ્રણાલી ખરીદવાનો ભારતનો નિર્ણય ભારત અને યુએસના સંબંધોમાં તણાવ લાવી શકે છે. આ સોદો સુરક્ષાના હેતુસર પણ યોગ્ય નથી. જો કે તેઓએ એવું પણ ભારપૂર્વક કહ્યું કે, ભારત અને અમેરિકા એક મજબૂત પાર્ટનર રહ્યા છે અને આશા છે કે બંને દેશોમાં આ મુદ્દાને દ્વીપક્ષીય વાર્તાના માધ્યમથી ઉકેલવા સક્ષમ થશે.
અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઑપ સ્ટેટ વેન્ડી શર્મએ ચિંતા વ્યક્ત કરી હતી કે, જે દેશ એસ 400 મિસાઇલનો ઉપયોગ કરવાનો નિર્ણય લે છે તેના પ્રત્યે અમારી નીતિ સાર્વજનિક રહી છે. અમને લાગે છે કે આ ખતરનાક છે અને આ કોઇપણ સુરક્ષાના હિતમાં નથી.
શું રશિયાની S-400 રક્ષા પ્રણાલી ખરીદવા પર અમેરિકા ભારત પર કોઇ પ્રતિબંધ મૂકશે કે કેમ તે સવાલના જવાબમાં વેન્ડીએ કહ્યું હતું કે, અમે ભાવિને લઇને મંથન કરી રહ્યા છે અને આપણા બંને દેશો વચ્ચે વાટાઘાટોથી સમસ્યાઓનું નિવારણ થયેલું છે. અમે આશા રાખીએ છીએ કે આ સમસ્યાને ઉકેલવામાં અમે સફળ રહીશું.
સૂત્રો અનુસાર વેન્ડી શર્મા અન હર્ષ શ્રુંગલાએ રશિયાની સાથે ભારતના એસ-400 મિસાઇલ સિસ્ટમની ખરીદીના કરાર પર ચર્ચા કરી હતી. રક્ષા સચિવ અજય કુમાર ટૂંક સમયમાં અમેરિકન રક્ષા નીતિ સમૂહની બેઠકમાં સામેલ થવા માટે વોશિંગ્ટન જશે. આ બેઠકમાં એસ 400 મિસાઇલ પ્રણાલી પર પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.