- કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ન્યૂઝીલેન્ડ એક નવો ખરડો રજૂ કરશે
- આ અંતર્ગત બેંકો તેમજ વીમા કંપનીઓએ પર્યાવરણીય જોખમની તેમના ધંધા પરની અસર અંગે માહિતી આપવી પડશે
- વિશ્વમાં આ પ્રકારનો ખરડો રજૂ કરનાર ન્યૂઝીલેન્ડ પ્રથમ દેશ
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે એક નવો ખરડો રજૂ કરવામાં આવશે જેના અંતર્ગત બેંકો, વિમા કંપનીઓ તેમજ એસેટ મેનેજરોએ પર્યાવરણીય પરિવર્તનની તેમના ધંધા પર કેટલી અસર પડી છે તે જાહેર કરવાનું રહેશે. વિશ્વમાં આ પ્રકારનો ખરડો રજૂ કરનાર ન્યૂઝીલેન્ડ પ્રથમ દેશ છે.
પર્યાવરણ પરિવર્તન પ્રધાન જેમ્સ શાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી નાણાંકીય ક્ષેત્ર તેમના મૂડીરોકાણની હવામાન પર શું અસર થાય છે તે જાણશે નહીં ત્યાં સુધી આપણે ૨૦૫૦ સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જનનું ધ્યેય હાંસલ કરી શકીશું નહીં. આ કાયદો પર્યાવરણ સાથે સંકળાયેલા જોખમોને નાણાંકીય અને બિઝનેસ નિર્ણયના હાર્દમાં લઇ આવશે. આ કાયદા હેઠળ નાણાં કંપનીઓએ જાહેર કરવું પડશે કે પર્યાવરણ પરિવર્તનને કારણે તેમના બિઝનેસ પર શું અસર પડી છે. તેમણે એ પણ ફોડ પાડવો પડશે કે તેઓ પર્યાવરણ સાથે સંકળાયેલા જોખમો અને તકોને કેવી રીતે મેનેજ કરશે.
જો આ ખરડો પસાર થશે તો કંપનીઓએ તેમનો પ્રથમ ડિસ્ક્લોઝર રિપોર્ટ 2023માં જ જાહેર કરવો પડશે. ન્યૂઝીલેન્ડે તેની જાહેર ક્ષેત્રની કંપનીઓને વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યુટ્રલ કરવાની જાહેરાત કરી છે. સરકારી એજન્સીઓએ પણ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પડશે.
જેપી મોર્ગન ચેઝ, ગોલ્ડમેન સાક્સ અને બેન્ક ઓફ અમેરિકા સહિતની સંખ્યાબંધ મોટી અમેરિકન બેન્કોએ તેમની નાણાંકીય પ્રવૃત્તિઓને પારિસ પર્યાવરણ કરાર અનુસાર બદલવાની યોજનાઓ જાહેર કરી છે. જેમાં જે ઉદ્યોગો કોલસો અને ઓઇલ જેવા બળતણ વાપરતી હોય તેમની લોન અને તેમાં થતાં મૂડીરોકાણને ઘટાડવામાં આવશે.
એક નોન પ્રોફિટ સંસ્થા સેરેસના અહેવાલ અનુસાર મોટી અમેરિકન બેન્કોની અડધા કરતાં વધારે સિન્ડિકેટેડ લોન્સ અર્થતંત્રના એવા ક્ષેત્રોમાં છે જેમની પર પર્યાવરણીય પરિવર્તનને કારણે જોખમ ઝળુંબે છે. બેન્કોના જૂથ દ્વારા સિન્ડિકેટેડ લોન માટે નાણાં પુરા પાડવામાં આવે છે.
(સંકેત)