– અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે યોજાશે ચૂંટણી
– સર્વેમાં પ્રબળ દાવેદાર તરીકે જો બિડેન અને કમલા હેરિસ આગળ
– ડેમોક્રેટ્સ પાર્ટી માટેના પરિણામો રહ્યા ઉત્સાહજનક
અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે રાષ્ટપતિ પદના પ્રમુખ દાવેદારોમાં જો બિડેન અને કમલા હેરિસના નામની ચર્ચા થઇ રહી છે. આ વચ્ચે હવે ચૂંટણીલક્ષી સર્વે પણ થઇ રહ્યા છે. આ સર્વેના પરિણામો જો બિડેન અને કમલા હેરિસની તરફેણમાં આવતા જાય છે. વોશિંગ્ટન પોસ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન તેમજ તેમના ઉપ પ્રમુખપદના ઉમેદવાર ભારતીય મૂળના કમલા હેરિસ વર્તમાન પ્રમુખ ટ્રમ્પ અને ઉપ પ્રમુખ માઇક પેન્સ કરતાં લગભગ 12 પોઇન્ટ આગળ છે.
ડેમોક્રેટ્સ પાર્ટી માટે આ સર્વેના પરિણામો ઉત્સાહજનક રહ્યા છે જે તેઓનો ઉત્સાહ વધારશે. સર્વેમાં પોઇન્ટ્સ પર નજર કરીએ તો ટ્રમ્પ-પેન્સના 41 પોઇન્ટ્સની સરખામણીએ બિડેન-હેરિસના 53 પોઇન્ટ્સ હતા. જો કે ગત મહિને કરાયેલા સર્વેમાં તેમની વચ્ચેનું અંતર 15 પોઇન્ટ્સ હતું.
કોરોનાની મહામારી પ્રારંભિક તબક્કામાં હતી ત્યારે ટ્રમ્પ-બિડેન વચ્ચે માત્ર બે પોઇન્ટનો જ અંતર હતો જે વધીને બે આંકમાં આવી ગયો હતો.ટ્રમ્પની દસ સમર્થકો પૈકી નવ ફરીથી ટ્રમ્પને મત આપવા ઉત્સુક જણાયા હતા, જ્યારે બિડેનના દસમાંથી આઠ સમર્થકો બિડેનને મત આપવાની રાહ જોતા હતા. 48 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ મત આપવા ખુબ ઉત્સાહી છે.
સર્વેમાં કુલ 54 ટકા મતદારો એ કહ્યું હતું કે તેઓ પ્રમુખની ચૂંટણી પર ખુબ બારીક નજર રાખી રહ્યા છે. રિપબ્લીકન અને રિપબ્લીકન તરફ કુણું વલણ ધરાવતા મતદારોની સંખ્યા 58 ટકા હતા જે 2016ના સપ્ટેમ્બરમાં હતી. 53 ટકા ડેમોક્રેટ અને ડેમોક્રેટિક પાર્ટી તરફ કુણું વલણ ધરાવતા મતદારો પણ ચૂંટણી પર ચાંપતી નજર રાખે છે.
બિડેનના નાયબ એટલે કે ઉપ પ્રમુખપદના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના કમલા હેરિસની પસંદગીને 54 ટકા અમેરિકનોએ યોગ્ય માની હતી. જો કે કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. ડેમોક્રટ્સમાં 86 ટકા લોકોએ કમલા હેરિસની પસંદગી પર મહોર મારી હતી.તેમાં 64 ટકા લોકોએ તો ખુબ ઉમળકાથી આ પસંદગીને વધાવી હતી.
(સંકેત)