કાબૂલ બ્લાસ્ટમાં ચોંકાવનારો ખુલાસો, કાવતરાખોર IS-KP ચીફના તાર પહોંચ્યા પાકિસ્તાન, જાણો શું છે કનેક્શન?
- કાબૂલ વિસ્ફોટને લઇને ચોંકવાનારો ખુલાસો
- કાવતરાખોર IS-KP ચીફનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું
- IS-KP ચીફ અસલમ ફારુકી પાકિસ્તાની છે
નવી દિલ્હી: કાબૂલ વિસ્ફોટને લઇને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન જૂથના ચીફ માવલાવી અબ્દુલ્લા અકા અસલમ ફારુકી અગાઉ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો, જે હક્કાની નેટવર્ક સાથે મળીને કાબૂલ અને જલાલાબાદમાં થયેલા ઘણા હુમલાઓમાં સામેલ છે. અસલમ ફારુકી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે પણ જોડાયેલો હતો.
આપને જણાવી દઇએ કે, અસલમ ફારુકી પાકિસ્તાની છે, જેની ગત વર્ષે એપ્રિલ 2020માં અફઘાન દળોએ ધરપકડ કરી હતી. અસલમ ફારુકી ગત વર્ષે કાબુલમાં ગુરુદ્વારા પર હુમલાના કાવતરામાં સામેલ હતો. જેમાં 25 લોકો માર્યા ગયા હતા.
હક્કાની નેટવર્કની મદદથી અંજામ અપાયેલા આ આત્મઘાતી હુમલામાં ભારતીય રાજદૂત પણ નિશાન પર હતા. અસલમ ફારુકીએ કેરળમાં રહેતા ISIS આતંકી મુહસીન તિકરીપુર પાસેથી ફિદાયીન હુમલો કરાવ્યો હતો.
ગત વર્ષે જ્યારે IS-KP ચીફ અસલમ ફારુકીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે પાકિસ્તાને અસલમની કસ્ટડી માંગી હતી. પાકિસ્તાનને ડર હતો કે જો અસલમ ફારુકી પાકિસ્તાની એજન્સીઓ સાથેના તેના સંબંધો જાહેર કરશે તો પાકિસ્તાન ખુલ્લું પડી જશે. અફઘાન સરકારે અસલમ ફારુકીની કસ્ટડીની માંગને ફગાવી દીધી હતી અને તેને પાકિસ્તાનને સોંપવાનો ઇનકાર કર્યો હતો.
નોંધનીય છે કે, ગઇકાલે એટલે કે ગુરુવારે કાબૂલ એરપોર્ટ પર ISIS-K સંગઠને ત્રણ આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો હતો જેમાં ઓછામાં ઓછા 70 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 140થી વધુ લોકો ઘાયલ થયા હતા.