- UN જળવાયુ સંમેલનમાં ભારતની જીત
- કોલસાને લઇને દુનિયાને વાત સમજાવવામાં રહ્યું સફળ
- અંતિમ ઘડીએ કોલસાને ફેઝ આઉટના બદલે ફેઝ ડાઉનમાં સામેલ કરાવ્યો
નવી દિલ્હી: ભારત હવે વૈશ્વિક સ્તરે તેની પકડને વધુ મજબૂત બનાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન કોપ 26માં ભારતની જીત થઇ છે. ગ્લોબલ વોર્મિંગને લઇને એક સમજૂતી થઇ હતી જેમાં ભારત એ સમજાવવામાં સફળ રહ્યું હતું કે કોલસાના ઉપયોગને તબક્કાવાર રીતે ખતમ કરવાના બદલે તેના ઉપયોગને ક્રમશ: ઘટાડવામાં આવે. ભારતે સફળતા હાંસલ કરતા અંતિમ ઘડીએ કોલસાને ફેઝ આઉટના બદલે ફેઝ ડાઉનમાં સામેલ કરાવ્યો.
COP 26 દરમિયાન ગ્લોબલ વોર્મિંગને નાથવા અને તેને નિયંત્રિત કરવા માટે દેશોએ ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાં ભારત અને ચીન વિશ્વના અન્ય દેશોને અંતિમ સમયમાં કોલસા અને જીવાશ્મ ઇંધણનો ઉપયોગ ખતમ કરવાના બદલે ઘટાડવાની વાત સમજાવી શક્યા.
નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે યુએન જળવાયુ પરિવર્તન સંમેલનને ભલે એક મહત્વનું પગલું ગણાવ્યું હોય પરંતુ તેમણે વિશ્વને જળવાયુ સંકટ તરફ આગળ વધી રહ્યા હોવાની ચેતવણી પણ આપી હતી. અમેરિકી જળવાયુ પ્રમુખ જોન કેરીએ જણાવ્યું કે, આ સમજૂતી જળવાયુ પરિવર્તનની દિશામાં કોઈ અંતિમ સમજૂતી નથી. આપણે હજું ઘણું બધુ કરવાની જરૂર છે.