- ભારતના 100 કરોડ ડોઝની સફળતાને બિલ ગેટ્સે બિરદાવી
- વિશ્વના બાકીના દેશોએ પણ ભારતના અનુભવમાંથી શીખવું જોઇએ
- પીએમ મોદીના વિઝનને ભારતમાં દરેક રાજ્યમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે
નવી દિલ્હી: ગુરુવારે ભારતે સ્વર્ણિમ ઇતિહાસ રચતા 100 કરોડ ડોઝ લોકોને આપ્યા હતા. ભારતના આ ઐતિહાસિક મુકામ બદલ અનેક દેશોએ ભારતની પ્રશંસા કરી છે ત્યારે હવે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ પણ ભારતના આ સિમાચિહ્નથી ચકિત થઇ ગયા છે.
100 કરોડ ડોઝ લોકોને આપવાની સિદ્વિને બિરદાવતા બિલ ગેટ્સે જણાવ્યું કે, વિશ્વના બાકીના દેશોએ પણ ભારતના અનુભવમાંથી શીખવાની આવશ્યકતા છે. 31 ડિસેમ્બર સુધીમાં ભારતના તમામ પુખ્ત વયના વ્યક્તિઓને વેક્સિનેટ કરવાના પીએમ મોદીના વિઝનને ભારતમાં દરેક રાજ્યમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. આ વિશ્વનું સૌથી ઝડપી-મોટું અભિયાન છે. ભારતની વસ્તી અને કદ જોતા આ સિદ્વિ વધારે મહત્વપૂર્ણ બને છે.
તેમણે ભારતની રસીકરણ ઝુંબેશની પ્રશંસા કરતા કહ્યું હતુ કે, અગાઉ પણ ભારત મોટા પાયે રસીકરણ ઝુંબેશને સફળ બનાવી ચૂક્યુ છે. ભારત દર વર્ષે 2.7 કરોડ નવજાત બાળકોને જરૂરી વેક્સિન આપે છે. દર વર્ષે એકથી પાંચ વર્ષના 10 કરોડ બાળકોને બૂસ્ટર ડોઝ અપાય છે. ભારત પાસે 27000 કોલ્ડ ચેનની સુવિધા છે. 23 લાખ કાર્યકરોની વિશાળ સેના છે. જેમણે લાખો ડૉક્ટરો અને નર્સો પાસેથી તાલીમ પ્રાપ્ત કરી છે. ભારતને તેના રસીકરણ માળખાનો ફાયદો થઇ રહ્યો છે.
વેક્સિનના નિર્માણ અંગે વાત કરતા કહ્યું કે, ભારતની આવડત તેને કામ લાગી છે. ભારતીય વેક્સિનોએ આ પહેલા વિશ્વભરમાં ન્યૂમોનિયા અને ડાયેરિયા જેવી બીમારીઓથી લાખો લોકોને બચાવ્યા છે.
કોવિન પ્લેટફોર્મને બિરદાવતા કહ્યું હતું કે, રસીકરણ ઝુંબેશ માટે ભારતે પોતાની આઇટી સેક્ટરની ક્ષમતાનો પણ સર્વશ્રેષ્ઠ રીતે ઉપયોગ કર્યો છે. કોવિનના કારણે ભારતમાં વેક્સિન માટે એપોઇન્ટમેન્ટ સ્લોટ ગોઠવાય છે અને તેના પરથી સર્ટિફિકેટ પણ મળી રહ્યું છે. વેક્સિન ટ્રેન્ડની જાણકારી પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું પ્લેટફોર્મ અન્ય દેશોએ પણ લાગૂ કરવું જોઇએ.