Site icon Revoi.in

કાબૂલ સહિતના પ્રાંતોમાં છવાયો અંધારપટ, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં એક તરફ તાલિબાનનો ખોફ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ અફઘાનિસ્તાન પણ વીજસંકટમાંથી પસાર થઇ રહ્યું છે. અફઘાનની રાજધાની કાબુલ સહિતના કેટલાક ભાગોમાં વીજળી ના હોવાને કારણે અંધારપટ છવાયો છે. ઉઝબેકિસ્તાનથી દેશમાં વીજ પુરવઠો કેટલાક તકનિકી કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. તેના કારણે દેશમાં વીજળીની તંગી જોવા મળી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, વીજ કંપની દા અફઘાનિસ્તાન બ્રેશ્હન શેરકટે આ માટે કેટલાક તકનિકી કારણો દર્શાવ્યા છે. પરંતુ લોકો આ વાત માનવા તૈયાર નથી. થોડાક દિવસો પહેલા કાબુલમાં પણ આવો જ અંધારપટ છવાયો હતો અને સમગ્ર શહેર અંધકારમાં ગરકાવ થઇ ગયું હતું.

વીજ સંકટ પાછળ એવી ધારણા છે કે દેશના નવા શાસક તાલિબાને હજુ સુધી મધ્ય એશિયાના વીજળી સપ્લાયરોને નાણાં ચૂકવ્યા નથ અથવા સપ્લાયરો માટે ગ્રાહકો પાસેથી નાણાં વસૂલાત માટે નવું માળખુ હજુ તૈયાર નથી કરાયું. આ કારણે આ વિકટ સ્થિતિ જોવા મળી છે.

કાબુલ ઉપરાંત બાગલાન જેવા પ્રાંતોમાં પણ તકનિકી સમસ્યાથી અંધારપટ છવાયો છે. વીજ કંપની દ્વારા ખાતરી અપાઇ છે કે ટેકનિકલ સ્ટાફ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા પ્રયાસરત છે.

કેટલાક એવા અહેવાલો પણ વહેતા થયા છે કે, તાલિબાન આ સમયે મધ્ય એશિયાના વીજળી સપ્લાયર્સને નાણાં ચૂકવવામાં નિષ્ફળ નિવડ્યું છે. અફઘાનની કુલ વીજળીના આશરે 80 ટકા પાડોશી દેશો જેમ કે ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનથી આવે છે.

નોંધનીય છે કે, અફઘાનિસ્તાનું વિદ્યુત બોર્ડ હવે તાલિબાનના કબ્જામાં હોવાથી તે તને ધિરાણકર્તાઓને વેચવા માગે છે જેથી લગભગ 62 મિલિયન ડોલરના બિલની ચૂકવણી કરી શકાય. ટૂંક સમયમાં આ યોજના અમલી બનશે અને બિલની ચૂકવણી કરાશે તેવું DABASના કાર્યકારી વડા સફીઉલ્લાહ અહમદઝાઇએ કહ્યું હતું.