Site icon Revoi.in

ગાંઘીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ઓગસ્ટમાં શરૂ થવાની શક્યતા

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (આઇબીએક્સ) શરૂ કરવા માટે એક કન્સોર્ટિયમ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તેના દરેક રોકાણકારની વાર્ષિક રનિંગ નેટ વર્થ ત્રણ કરોડ ડૉલરની હોવી જોઇએ, એવી શરતના કારણે તેને શરૂ કરવામાં વિલંબ થઇ થઇ રહ્યો હોવાનું કહેવાય છે, પણ હવે ગિફ્ટ સિટીના સૂત્રો કહી રહ્યા છે કે, આઇબીએક્સ આ વર્ષે  ઓગસ્ટ મહિના સુધીમાં શરૂ થઇ શકશે.

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. છેલ્લા વર્ષોમાં ગિફ્ટ સિટીનો સોરોએવો વિકાસ થયો છે. હવે બુલિયન એક્સચેન્જ શરૂ કરવામાં આવશે ત્યારે ગિફ્ટ સિટી વિશ્વના બજારો સાથે જોડાઈ જશે. ભારતમાં અત્યારે સોના  ચાંદીના વેપાર માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર નથી, તેની ખોટ આઇબીએક્સ ભરશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ), મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ), બીએસઇની પેટા કંપની ઇન્ડિયા આઇએનએક્સ ઇન્ટરનેશનલ એક્સચેન્જ, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસએ આઇબીએક્સ, ક્લિયરિંગ કોર્પોરેશન અને ડિપોઝિટરીની સ્થાપના કરવા માટેના એમઓયુ કર્યા હતા. એનએસઇ, એમસીએક્સ અને બીએસઇએ સ્વતંત્રપણે બુલિયન એક્સચેન્જ શરૂ કરવાની તૈયારી દશાર્વી હતી પણ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઇએફએસસીએ)એ વિવિધ એક્સચેન્જ અથવા અંગત એક્સચેન્જ માટે પરવાનગી આપવાના બદલે એક્સચેન્જેના સમૂહને પરવાનગી આપવાનો આગ્રહ કર્યે અને તેના પગલે આઇબીએક્સની સ્થાપના થઇ છે.

ભારતમાં બુલિયનના ભાવમાં અત્યારે પારદર્શકતા નથી અને વિવિધ રાજ્યો અથવા શહેરોમાં એકજ ગુણવત્તા (24 કૅરેટ અથવા 22 કૅરેટ શુદ્ધતા)ધરાવતા સોના અને ચાંદીના ભાવ અલગ – અલગ ચાલે છે. આઇબીએક્સની શરૂઆત થયા બાદ સોના અને ચાંદીના ભાવ સમગ્ર દેશમાં એક સમાન થાય તેવી શક્યતા છે. ભારતમાં અત્યારે 22,000 ટન સોનું નાગરિકો પાસે છે. તેને બહાર લાવવા માટે આઇબીએક્સ મોટું માધ્યમ બની રહેશે અને ગ્રાહકોને યોગ્ય અને પારદર્શક ભાવ મળશે, એમ નિષ્ણાતોનું માનવું છે.