Site icon Revoi.in

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા શાંતિ કરારમાં UAEના વિદેશમંત્રીની મહત્વપૂર્ણ ભૂમિકા

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાન દ્વારા સરહદે વારંવાર યુદ્વવિરામનો ઉલ્લંઘન થતો હોય છે ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે ગત મહિને થયેલા યુદ્વવિરામ પાલનમાં UAEના વિદેશ મંત્રી અને રાજવી પરિવારના સભ્ય શેખ અબ્દુલ્લા બિન ઝાયેદની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. તેમની મધ્યસ્થી મારફતે જ બંને દેશો વચ્ચે 18 વર્ષ પછી શાંતિ સ્થપાઇ હતી.

આપને જણાવી દઇએ કે વર્ષ 2003માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વવિરામ કરાર થયા હતા. પરંતુ પાકિસ્તાને ક્યારેય તેનું પાલન કર્યું ન હતું. ગત મહિને અચાનક ભારત અને પાકિસ્તાન બંને દેશો પાલન કરવા માટે સંમત થયા હતા અને એ પછી પાકિસ્તાને લાઇન ઑફ કંટ્રોલ પર ફાયરિંગ બંધ કર્યું છે. પાકિસ્તાન તરફથી યુદ્વવિરામનું ઉલ્લંઘન નથી થયું એટલે ભારતે પણ કોઇ વળતો જવાબ હજુ આપ્યો નથી.

આ જ કારણોસર સરહદ પર વર્ષ 2003 પછી પ્રથમવાર શાંતિમય માહોલ સ્થાપિત થયો છે. આ શાંતિ પાછળ શાંતિદૂતની ભૂમિકા UAEના શેખ ઝાયેદે અદા કરી છે. વર્ષ 2019થી બંને દેશોએ પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા છે. હવે ફરીથી એમ્બેસી ચાલુ કરવામાં આવે તેવા ઝાયેદના પ્રયાસો છે.

નોંધનીય છે કે શેખ ઝાયેદે બંને દેશના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી હતી. એ પછી ભારત-પાકિસ્તાને સંયુક્તપણે શાંતિ સમજૂતિ પાલનની જાહેરાત કરી હતી. ભારત-પાકિસ્તાનની જાહેરાત પછી UAEએ પહેલો દેશ હતો, જેણે જાહેરમાં બંને દેશોના પગલાંને આવકાર આપ્યો હતો.

(સંકેત)