ચીનના હેનાન પ્રાંતમાં પૂરનો પ્રકોપ, 12નાં મોત, 2 લાખ લોકોને રેસ્ક્યૂ કરાયા
નવી દિલ્હી: ચીનના મધ્ય હેનાન પ્રાંતમાં હાલમાં વરસાદ અને પૂરનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. અત્યારસુધી અલગ અલગ દુર્ઘટનાઓમાં 12 લોકોના મોત નિપજ્યા છે. બે લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. શહેરના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે અને ગાડીઓ તરતી જોવા મળી રહી છે. સબવે ટનલમાં પણ પાણી ભરાઇ ગયું છે.
હેનાનના હવામાન ખાતા અનુસાર, પ્રાંતીય રાજધાની ઝેંગઝોઉમાં સાંજે ચારથી પાંચ વાગ્યા વચ્ચે રેકોર્ડ 201.9 મિલિમીટર વરસાદ પડ્યો. ઝેંગઝોઉ નગર કેન્દ્રમાં મંગળવારે 24 કલાકમાં સરેરાશ 457.5 મિમી વરસાદ પડ્યો. લગભગ 1 હજાર વર્ષમાં પ્રથમવાર આટલો ભીષણ વરસાદ પડ્યો છે.
ખબરમાં જણાવાયું છે કે પૂર સંલગ્ન દુર્ઘટનાઓમાં 12 લોકોના મોત થયા છે. જ્યારે લગભગ બે લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને ટ્રાફિક ઠપ થયો છે. લગભગ 80થી વધુ બસ સર્વિસને સસ્પેન્ડ કરવી પડી. આ ઉપરાંત 100થી વધુ રૂટ ડાયવર્ટ કરાયા છે.
પાણી ભરાવવાના કારણે સબવે સર્વિસ પણ અસ્થાયી રીતે બંધ કરાઈ છે. વરસાદના પાણી શહેરની લાઈન ફાઈવની સબવે સુરંગમાં જતું રહ્યું જેના કારણે એક ટ્રેનમાં અનેક મુસાફરો ફસાઈ ગયા. મુસાફરોને પાણીમાં ડૂબીને સફર કરવી પડે છે.
હાલાત પર કાબૂ મેળવવા માટે પોલીસ અધિકારીઓ, ફાયરકર્મીઓ અને અન્ય સ્થાનિક લોકો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગ્યા છે. સબવેમાં પાણી ઓછું થઈ રહ્યું છે અને હાલ મુસાફરો સુરક્ષિત છે. ઝેંગઝોઉ રેલવે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનો રોકવામાં આવી.