ચીનની અવળચંડાઇ, તાઇવાનને ડરાવવા એક જ દિવસમાં 39 લડાકૂ વિમાનો સાથે કરી ઘૂસણખોરી
- ચીનની દાદાગીરી
- હવે તાઇવાનને ડરાવવા માટે એક જ દિવસમાં 39 ફાઇટર જેટ્સ સાથે ઘૂસણખોરી કરી
- તાઇવાને પણ જવાબી કાર્યવાહી કરી
નવી દિલ્હી: ભારત સાથે દુશ્મનાવટ વહોરનાર ચીન હવે તાઇવાન સામે દિન પ્રતિદિન આક્રમક વલણ અપનાવી રહ્યું છે.
ચીની સેનાએ હવે એવી કાર્યવાહી કરી છે જેનાથી તાઇવાન ભડક્યું છે. ચીને એક જ દિવસમાં 39 ફાઇટર જેટ તાઇવાનની સીમામાં મોકલતા આ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ પહેલા શુક્રવારે ચીને તાઇવાન તરફ 38 ફાઇટર જેટ મોકલ્યા હતા.
જેના જવાબમાં તાઈવાને પણ પોતાના ફાઈટર જેટસ મોકલ્યા હતા અને પોતાની એર ડિફેન્સ સિસ્ટમને એલર્ટ કરી નાંખી હતી.ચીન એક વર્ષથી તાઈવાનની સીમામાં પોતાના વિમાનો થકી ઘૂસણકોરી કરી રહ્યુ છે.ચીન ઈચ્છે છે કે, તાઈવાન ડરી જાય અને પોતે જ ચીન સાથે ભળી જવાની જાહેરાત કરે.
જો ચીનની આ ઘૂષણખોરીથી અકળાઇને ભૂલેચૂકે પણ તાઇવાન ચીનની સેના કે વાયુસેનાના લડાકૂ વિમાનો પર હુમલો કરે તો ચીનને વળતો હુમલો કરવાનું બહાનું મળી જાય.
તાઇવાન સરકારના પ્રવક્તા અનુસાર, શનિવારે ચીને દિવસમાં 20 અને રાત્રીના સમયે 19 વિમાન મોકલ્યા હતા. જેમાંથી મોટા ભાગના વિમાનો સુખોઇ-20 અને જે-16 પ્રકારના હતા. આ વિમાનો ભગાડવા માટે તાઇવાને પણ પોતાના લડાકૂ વિમાનો મોકલ્યા હતા.
નોંધનીય છે કે, તાજેતરમાં જ તાઇવાને પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માટે એક યુદ્વાભ્યાસમાં એફ-16 અને મિરાજ-2000 પ્રકારના વિમાનોનો ઉપયોગ કર્યો હતો અને હાઇવે પર લેન્ડિંગ પ્રેક્ટિસ કરી હતી.