- LAC પર ચીનની અવળચંડાઇ યથાવત્
- LAC પર પેટ્રોલિંગમાં ટૂકડીઓ વધારી
- ચીન સતત ઉશ્કેરણીજનક વર્તણૂક કરી રહ્યું છે
નવી દિલ્હી: LAC પર ભારત-ચીન વિવાદ હજુ પણ યથાવત્ છે જેનું એક કારણ ચીનની મનમાની અને વધતી દાદાગીરી છે. એલએસી પર ચીને મોટી સંખ્યામાં સેનાની તૈનાતી કરી છે. અહીંયા સુધી કે ભારતીય સરહદ પર મોટા પ્રમાણમાં યુદ્વ હથિયારોને પણ તૈયાર કરી દીધા છે. ચીનની સેનાએ સરહદ પર પેટ્રોલિંગ પેટર્નમાં મોટા ફેરફાર કરતાં પેટ્રોલિંગ પાર્ટીની સંખ્યામાં વધારો કરી દીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીનની સેનાએ LAC પર પેટ્રોલિંગ પેટર્નમાં ફેરફાર કર્યો છે. જ્યાં પહેલા પેટ્રોલિંગ માટે 20-25 સૈનિકોની ટૂકડી આવતી હતી ત્યાં હવે ચીન 100-100 સૈન્ય ટૂકડી પેટ્રોલિંગ માટે મોકલી રહ્યું છે. આ સાથે ચીન એલએલસી પર સર્વેલન્સ ઇક્વિપમેન્ટ અને સેના છાવણીમાં પણ વધારો કરી રહ્યું છે. ચીને અહીં સૈનિકોની સંખ્યામાં પણ વધારો કર્યો છે.
ગત વર્ષે લદાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે થયેલા વિવાદ બાદ આ સ્થિતિ ઉભી છે. સૈન્ય સ્તરે વાટાઘાટો બાદ બંને દેશની સેનાઓએ LAC પરથી સૈનિકો પરત બોલાવવા પર સંમતિ કરી હતી અને એના પર અમલ પણ કર્યો હતો. પરંતુ વિતેલા દિવસોમાં ચીન પાછી એની અસલી નીતિ પર આવી ગયું છે અને LAC પર મોટા પ્રમાણમાં સૈનિકો અને યુદ્ધ હથિયારો ખડકી દીધા છે. અહીં ચીની સૈનિકો રાત-દિવસ યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે.
એક તરફ જ્યાં અફઘાનના બગરામ એરપોર્ટ પર ચીનની દખલગીરી વધી હોવાના અહેવાલ છે ત્યાં બીજી તરફ ચીન LAC પર યુદ્ધનું વાતાવરણ ઉભુ કરવાની અવણચંડાઇ કરી રહ્યું છે. અમેરિકા દ્વારા અફઘાનના બગરામ એરપોર્ટને હસ્તકે લઇ સૌથી મોટી સેના છાવણી બનાવવામાં આવી હતી.