- ડ્રેગનની વધુ એક ચાલ
- હવે 2030 સુધી 1000થી વધારે પરમાણુ હથિયારોનું કરશે નિર્માણ
- યુએસના આ અહેવાલથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ
નવી દિલ્હી: ચાલબાઝ ચીને હવે નવી ચાલ રમી છે. સમગ્ર વિશ્વને અંધારામાં રાખીને વર્ષ 2030 સુધી 1000 થી વધારે પરમાણુ હથિયારનું નિર્માણ કરવાનું કામ ગુપ્ત રીતે કરી રહ્યું છે. તેનાથી ખળભળાટ મચ્યો છે.
પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના 2030 સુધીમાં 1,000થી વધુ શસ્ત્રોનું ઉત્પાદન કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. પેન્ટાગોનના એક અહેવાલમાં આ ખુલાસો થયો છે. યુએસના ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સના હેડક્વાર્ટરે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના 2021 સાથે સંકળાયેલા લશ્કરી અને સુરક્ષા વિકાસ નામનો અહેવાલ બહાર પાડ્યો છે.
વર્ષ 2020માં યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સે અંદાજ લગાવ્યો હતો કે, વર્ષ 2030 સુધીમાં ચીન પાસે 1000 પરમાણુ શસ્ત્રો હશે પરંતુ હવે અમેરિકાએ નવો દાવો કરવો પડ્યો છે. અમેરિકાના સંરક્ષણ વિભાગના અહેવાલ અનુસાર ચીન એક વર્ષ પહેલા અમેરિકન અધિકારીઓએ અંદાજ લગાવ્યો હતો તેના કરતા વધુ ઝડપથી તેની પરમાણુ શક્તિમાં ચીન વધારો કરી રહ્યુ છે.
નોંધનીય છે કે, જો પરમાણુ શસ્ત્રોના આંકડા પર નજર કરીએ તો અમેરિકા પાસે હાલમાં 3,750 પરમાણુ શસ્ત્રો છે અને તેને વધારવાની તેની કોઇ યોજના નથી. વર્ષ 2003 સુધીમાં અમેરિકાના પરમાણુ શસ્ત્રોની સંખ્યા લગભગ 10,000 હતી. બાઇડેન વહીવટીતંત્ર તેની પરમાણુ નીતિની વ્યાપક સમીક્ષા કરી રહ્યું છે.