- ટેક્નોલોજી ક્ષેત્રે ચીનનું વધુ એક પગલું
- હવે AI આધારિત જજ બનાવ્યો
- આ જજ ચુકાદા પણ આપી શકે છે
નવી દિલ્હી: ટેક્નોલોજીની દૃષ્ટિએ ચીન વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. ચીનમાં અનેક પ્રકારની ટેક્નોલોજી રોજબરોજ આકાર પામતી હોય છે અને ત્યાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં અનેક ઇનોવેશન થતા હોય છે ત્યારે હવે ચીને વિશ્વનો સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત જજ બનાવ્યો છે. વિશ્વમાં AI આધારિત આ પ્રકારનો પ્રથમ જજ છે. આ જજ કોર્ટમાં બંને વકીલોની દલીલો સાંભળ્યા બાદ 97 ટકા ચુકાદા સાચા આપે છે.
અદાલતમાં નિર્ણય નિર્માણ પ્રક્રિયા દરમિયાન આ રોબોટ કેટલાક જજનું પણ સ્થાન લઇ શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ AI બેઝ્ડ જજ પોતાની સિસ્ટમમાં ઉપલબ્ધ અબજો આંકડાઓનું વિશ્લેષણ કરે છે. તેની બનાવટ વિશ્વભરના હજારો કેસોને ધ્યાનમાં રાખીને કરાઇ છે. આ કેસો વર્ષ 2015 થી 2020ની વચ્ચેના છે.
આ જજની ખાસિયતની વાત કરીએ તો આ જજ હાલ ખતરનાક ડ્રાઇવરો, ક્રેડિટ કાર્ડ છેતરપિંડી અને ચોરીના કેસોનો ચુકાદો આપવાની ક્ષમતાથી સજ્જ છે.
આ AI જજ ભલે હોય અને તેની ચોકસાઇ 97 ટકાની આસપાસ ભલે હોય, પરંતુ ભૂલની સંભાવના પણ હંમેશા રહેશે. હવે જો ભૂલ થાય તો તેની જવાબદારી ખુદ જજ લેશે કે પછી અલ્ગોરિધમ બનાવનાર ડિઝાઇનર સ્વીકારશે.
ચીનના એક ન્યાયાધીશ અનુસાર, AIની મદદથી ભૂલને પકડી શકાય છે, પરંતુ તે નિર્ણય લેવામાં માણસોની જગ્યા લઇ શકે તેમ નથી. બ્રિટનની જાસૂસી સંસ્થાએ આ વચ્ચે એવી પણ ચેતવણી આપી છે કે આપણા દુશ્મનો AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સિન્થેટિક બાયોલોજીમાં નિપુણતા મેળવવાનું ધ્યેય રાખી રહ્યા છે.