- ચીનમાં મંદારિન ભાષાનું મહત્વ ઘટ્યા બાદ કમ્યુનિસ્ટ સરકાર ચિંતામાં
- હવે શાળાઓમાં પાઠ્યક્રમમાંથી અંગ્રેજી વિષય હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો
- જો કે, આ પ્રસ્તાવને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે
નવી દિલ્હી: ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી બાળકોને માનસિક રીતે ગુલામ બનાવવાના પ્રયત્નો કર્યા બાદ હવે ચીનની સરકાર તેમને અંગ્રેજીથી દૂર કરવા માંગે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચીનની શાળાઓમાં અંગ્રેજી પર એક પ્રકારે પ્રતિબંધ લગાવવાની તૈયારી ચાલી રહી છે. રાષ્ટ્રીય સલાહકાર સમિતિના એક સભ્ય દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અંગ્રેજીને મુખ્ય વિષયથી હટાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જો કે, આ પ્રસ્તાવને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. વધુ પડતા લોકોનું કહેવું છે કે, અંગ્રેજીને પાઠ્યક્રમથી હટાવવું ના જોઇએ. કારણ કે અન્ય દેશોની સાથે પ્રતિસ્પર્ધા કરવાની ક્ષમતા વિકસિત નહીં થાય.
ચીનમાં સરકારના સમર્થનથી શાળાઓ તેમજ કોલેજોમાં વર્ષ 2001થી અંગ્રેજી ભણાવવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ત્યાંની મુખ્ય ભાષા મંદારિન કરતાં અંગ્રેજીનું ત્યાં મહત્વ વધી ગયુ છે અને હવે કમ્યુનિસ્ટ સરકારને આ પસંદ નથી આવી રહ્યું. ચીની લોક રાજનીતિક સલાહકાર સંમેલનની રાષ્ટ્રીય સમિતના સભ્ય શુ જિને પોતાના પ્રસ્તાવમાં કહ્યું છે કે, અંગ્રેજીને ચીની અને ગણિત જેવા વિષયોની જેમ મુખ્ય વિષય તરીકે ના ભણાવવું જોઇએ. તેના બદલે શારીરિક શિક્ષા, સંગીત અને કલા જેવા વિષયોમાં વિદ્યાર્થીઓનું કૌશલ્ય વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
શુ જિને સલાહ આપી છે કે, રાષ્ટ્રીય કોલેજ પ્રવેશ પરીક્ષા માટે અંગ્રેજી અને અન્ય વિદેશી ભાષાઓને ફરજીયાત વિષયના રૂપમાં સામેલ ન કરવા જોઇએ. તેમણે કહ્યું કે, વર્ગોના કલાકોના 10 ટકા અંગ્રેજી ભણતરમાં ખર્ચ થાય છે અને વિશ્વ વિદ્યાલયના 10 ટકાથી પણ ઓછા ગ્રેજ્યુએટ તેનો ઉપયોગ કરે છે, એટલા માટે અંગ્રેજી પર ફોકસ ઓછું કરવું જોઇએ.
(સંકેત)