ચિંતાજનક સ્થિતિ: પૃથ્વી પર છેલ્લાં 36 લાખ વર્ષમાં પ્રથમ વાર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું
- કોરોના મહામારીને કારણે વર્ષ 2020 શાંત રહ્યું હોવા છતાં હવામાં કાર્બનનું પ્રમાણ વધ્યું
- વર્ષ 2020માં હવામાં કાર્બનના કણોનું પ્રમાણ દર 10 લાખ કણે 412.5 નોંધાયું હતું
- છેલ્લા 36 લાખ વર્ષમાં પ્રથમ વાર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું
નવી દિલ્હી: વર્ષ 2020 કોરોના મહામારીને કારણે શાંત રહ્યું હોવા છતાં હવામાં કાર્બનના કણોનું પ્રમાણ દર 10 લાખ કણે 412.5 નોંધાયું હતું. હવામાં કાર્બનના આ કણોનું પ્રમાણ ઘણું ઊંચુ ગણાય. આટલો કાર્બન હવામાં છેલ્લા 36 લાખ વર્ષ દરમિયાન ક્યારેય નોંધાયો નથી. અમેરિકી હવામાન સંસ્થા નેશનલ ઑશનિક એન્ડ એટમોસ્ફિઅરિક એડમિનિસ્ટ્રેશનએ આ અંગે અહેવાલ રજૂ કરી જગતને ચેતવણી આપી હતી. છેલ્લા 36 લાખ વર્ષમાં અત્યારે વાતાવરણમાં ઘાતક વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ સૌથી વધુ છે.
હવાઈ ટાપુ પર આવેલી માઉના લોઆ ઓબ્ઝર્વેટરી દ્વારા હવામાનનો સતત અભ્યાસ કરાઈ રહ્યો છે. આ આંકડાઓ જગતના ૪૦ વાતાવરણ અભ્યાસ કેન્દ્રનો ડેટા ભેગો કરીને તારવવામાં આવ્યા છે. નોઆ છેલ્લા ૬૩ વર્ષથી હવામાં કાર્બનનો રેકોર્ડ રાખે છે. જ્યારે એ પહેલાના લાખો વર્ષોનો રેકોર્ડ તો ધરતીના વિવિધ અવશેષોમાં સચવાયેલો છે. તેનો અભ્યાસ કરી સંશોધકોએ આ આંકડા રજૂ કર્યા હતા.
વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે લાગૂ કરાયેલા લોકડાઉનને કારણે મોટા ભાગની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શાંત રહી હોવા છતાં હવામાં ભળતા કાર્બનનું પ્રમાણ માંડ સાત ટકા ઘટ્યું હતું. કેમ કે કાર્બન છેલ્લી દોઢ સદીથી તો સતત ઠલવાઇ રહ્યો છે. એકાદ વર્ષ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ બંધ રહેવાથી કાર્બનના પ્રમાણમાં ખાસ ઘટાડો સંભવ નથી. હવામાં કાર્બનનું સ્તર 417.4 પાર્ટ્સ પર મિલિયન નોંધાયું છે.
નોંધનીય છે કે વર્ષ 2012 પછી હવામાં ઠલવાતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 3 ટકા વધ્યું છે. અત્યારે હવામાં જેટલો કાર્બન છે, એટલો કાર્બન 36 લાખ વર્ષ પહેલા ધરતી પર હતો. એ વખતે ધરતીનું વાતાવરણ તોફાની હતું.
(સંકેત)