- તાલિબાનના આતંકીઓ વચ્ચે લડાઇની ખબર પર મુલ્લા બરાદરે મૌન તોડ્યું
- તાલિબાનમાં કોઇ પારસ્પરિક સંઘર્ષ ચાલી રહ્યો નથી
- અમે બધા જ એક જ પરિવારનો ભાગ છીએ
નવી દિલ્હી: તાલિબાન સરકારમાં અંદરોઅંદર ડખાના સમાચાર વચ્ચે હવે તાલિબાને તાલિબાન સરકારના ડેપ્યુટી પીએમ મુલ્લા બરાદરના એક ઇન્ટરવ્યૂનો વીડિયો જાહેર કર્યો છે. ઇન્ટરવ્યૂમાં મુલ્લા બરાદર હક્કાની જૂથ સાથે લડાઇની ખબરોને ફગાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે તાલિબાનમાં કોઇ પારસ્પરિક સંઘર્ષ ચાલી રહ્યો નથી. બધા એક જ પરિવારનો ભાગ છે.
અફઘાનિસ્તાન પ્રવાસમાં કતારના ડેપ્યુટી પીએમ સામેલ ના થવા પર મુલ્લા બરાદરે કહ્યું કે તેમને ખબર ન હતી કે કતારના ડેપ્યુટી પીએમ/વિદેશમંત્રી અફઘાનિસ્તાનના પ્રવાસે આવી રહ્યા છે નહીં તો તે જરૂર હાજર રહેત.
તમારી વચ્ચે પારસ્પરિક લડાઇ થઇ હોવાના અહેવાલો વહેતા થયા હતા તો તેમાં કેટલું તથ્ય છે તે અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે, ના એ સાચુ નથી. અમારી વચ્ચે પારસ્પરિક સંઘર્ષ ચાલી રહ્યો છે તે વાત પાયાવિહોણી છે અને ખોટી છે. અમે એક પરિવાર છીએ અને પ્રેમથી એકબીજા સાથે છે.
થોડા દિવસ પહેલા કતારના વિદેશમંત્રી કાબુલના પ્રવાસે હતા ત્યારે તમારી ગેરહાજરી હતી એવું પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, કતારના વિદેશમંત્રી અફઘાનિસ્તાનના પ્રવાસ પર આવવાની જાણકારી મને ન હતી. જો મને હોત કે તેઓ આવી રહ્યા છે તો હું મારો પ્રવાસ કેન્સલ કરને તેમની સાથે બેઠકમાં જરૂર સામેલ થાત.
તમે છેલ્લે કઇ કહેવા માંગો છો તેવું પૂછતા તેઓએ પ્રત્યુત્તર આપ્યો હતો કે અગાઉ કતારમાં જ્યારે અમારી શાંતિ બેઠક ચાલી રહી હતી ત્યારે કેટલાક મીડિયા પોતાના ફાયદા માટે ખોટી ખબરો દર્શાવતા હતા જેમ આજે દેખાડે છે. હું મીડિયાને સાચુ દેખાડવા માટે અપીલ કરું છું.