Site icon Revoi.in

કુલભૂષણ જાધવ પર જુલાઈમાં જ આવી શકે છે ચુકાદો, આઈસીજેમાં સુનાવણી

Social Share

નવી દિલ્હી: હેગ ખાતેની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આ મહીનાના આખરમાં કુલભૂષણ જાધવ પર ચુકાદો આપે તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે આ મહીનાના આખર સુધીમાં કુલભૂષણ જાધવના મામલામાં આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો આવી શકે છે. ગુરુવારે જાધવના મામલા પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ કહ્યુ હતુ કે કુલભૂષણ જાધવના મામલામાં આંતરરાષ્ટ્રીય કોર્ટને ચુકાદો સંભાળવવાનો છે. આ નિર્ણય ક્યારે આપવામાં આવશે, તેની તારીખનું પણ એલાન આંતરરાષ્ટ્રીય અદાલત કરશે.

આના પહેલા 20 ફેબ્રુઆરીના રોજ ભારતે જાધવની ફાંસીની સજા રદ્દ કરવાની માગણી કરી હતી. પાકિસ્તાનની સૈન્ય અદાલત અને આઈસીજેની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા હતા. સુનાવણીના પહેલા તબક્કા દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ કરનારા એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યુ હતુ કે જાધવની એક પાકિસ્તાની સૈન્ય અદાલત દ્વારા કરવામાં આવેલી સુનાવણી યોગ્ય પ્રક્રિયાના લઘુત્તમ માપદંડોને પણ પૂર્ણ કરતી નથી. માટે આઈસીજેએ આને ગેરકાયદેસર ઘોષિત કરવી જોઈએ.

મહત્વપૂર્ણ છે કે ભારતીય નૌસેનાના રિટાયર અધિકારી કુલભૂષણ જાધવ હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાનનો દાવો છે કે કુલભૂષણ જાધવને પાકિસ્તાની સુરક્ષાદળોએ 3 માર્ચ-2016ના રોજ જાસૂસી અને આતંકવાદના આરોપમાં બલૂચિસ્તાનથી એરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેના પછી જાધવને આ મામલામાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જો કે ભારત, પાકિસ્તાનના દાવાઓને સોય ઝાટકીને રદિયો આપી રહ્યું છે.

ભારતનું કહેવું છે કે કુલભૂષણ જાધવ રિટાયરમેન્ટ લઈને બિઝનસ સદંર્ભે ઈરાન ગયા હતા, ત્યાંથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ તેમને કિડનેપ કર્યા હતા. ભારતે પાકિસ્તાનની સૈન્ય અદાલત દ્વારા જાધવને ફાંસીની સજા સંભળાવાની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. બાદમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી. હવે આ મામલામાં આંતરરાષ્ટ્રીય કોર્ટ પોતાનો ચુકાદો આપવાની છે.