કોવેક્સિન લેનારા ભારતીયો માટે સારા સમાચાર, હવે ઓમાનમાં નહીં થવું પડે ક્વોરેન્ટિન
- કોવેક્સિનને આંતરાષ્ટ્રીય સ્તર પર મળી પહેલી માન્યતા
- હવે ઓમાન જનાર ભારતીયોને ક્વોરેન્ટિન નહીં થવું પડે
- ઓમાનના ભારતીય દૂતાવાસે આ જાણકારી આપી છે
નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનેશનના મહા અભિયાનમાં ભારતમાં જ નિર્મિત કોવેક્સિનને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દેશમાં મોટા ભાગની વસ્તીને કોવેક્સિન તેમજ કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશિલ્ડને આંતરરાષ્ટ્રીય સ્તર પર WHOથી તો માન્યતા આપી દેવાઇ હતી પરંતુ કોવેક્સિન માટે હજુ આગળ કપરા ચઢાણ છે.
જો કે હવે આ વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવેક્સિનને પ્રથમ મંજૂરી મળી ચૂકી છે. હવે કોવેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા ભારતીય લોકો જ્યારે ઓમાન જાય ત્યારે તેઓએ ત્યાં ક્વોરેન્ટાઇન થવાની આવશ્યકતા નથી. જે ભારતીયોએ કોવેક્સિનની વેક્સિન મૂકાવી છે તેને ઓમાનની સરકારે મંજૂરી આપી છે.
ઓમાનના ભારતીય દૂતાવાસે આ જાણકારી આપી છે. આ ટ્વીટમાં જાણકારી આપવામાં આવી છે કે, ભારતીય દૂતાવાસ, મસ્કતને જણાવતા ખુશી થાય છે કે ઓમાનની સલ્તનત સરકારે ઓમાનની મુસાફરી માટે કોવેક્સિનને કોવિડ-19 વેક્સિનની મંજૂર વેક્સિન યાદીમાં ઉમેર્યું છે. આ માટે સિવિલ એવિએશન ઓથોરિટીએ 27 ઑક્ટોબરના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
ભારતના એ તમામ મુસાફરો કે જેમણે આગમન તારીખના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા કોવેક્સિનના બે ડોઝ મેળવ્યા છે તેઓ હવે ક્વોરેન્ટિનની જરૂરિયાત વિના ઓમાનની મુસાફરી કરી શકશે. જો કે, અન્ય તમામ કોવિડ-19 સંબંધિત આવશ્યકતાઓ/શરતો, જેમ કે પ્રી-અરાઇવલ RT-PCR ટેસ્ટ મુસાફરો માટે લાગુ પડશે. આ નોટિફિકેશન કોવેક્સિન લેતા ભારતીય નાગરિકો માટે ઓમાનની મુસાફરીને નોંધપાત્ર રીતે સરળ બનાવશે.